પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘ડિટેક્ટ, ડિલીટ ઍન્ડ ડિપોર્ટ’ (ઓળખો, હટાવો અને દેશનિકાલ કરો) નીતિ બાદ હવે ગ્રાઉન્ડ લેવલ પર મોટી વહીવટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સરકારના આ કડક અભિયાનના ડરથી બાંગ્લાદેશ સરહદના અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની મોટી ભીડ જામવા લાગી છે. ઉત્તરી 24 પરગણા અને માલદા જિલ્લામાંથી ચિંતાજનક દૃશ્યો સામે આવ્યા છે.
સરહદે પાછા જવા માટે લાગી લાંબી લાઇનો
ઉત્તરી 24 પરગણાના બશીરહાટ વિસ્તારમાં આવેલા હકીમપુર ચેકપોઇન્ટ પર ૧૦૦થી વધુ બાંગ્લાદેશી પુરુષો અને મહિલાઓ એકઠા થયા હતા. આ તમામ લોકો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને જાતે જ પાછા બાંગ્લાદેશ જવા માંગતા હતા. પોલીસના હાથે પકડાઈ જવાના ડરથી અને સરકાર દ્વારા શરૂ કરાયેલા હોલ્ડિંગ સેન્ટરોના કારણે ગેરકાયદે રહેતા આ લોકો પોતે જ સરહદે પહોંચી રહ્યા છે.
CAAના દાયરા બહારના લોકો પર થશે કડક એક્શન
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, જે લોકો નાગરિકતા (સંશોધન) અધિનિયમ એટલે કે CAAના કાયદાકીય દાયરામાં નથી આવતા, તેમને ગેરકાયદે ઘૂસણખોર માનવામાં આવશે. પોલીસ આવા લોકોને પકડીને BSFને સોંપશે. આ માટે રાજ્ય સરકારે જિલ્લાઓમાં હોલ્ડિંગ સેન્ટર બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. માલદા દેશનો એવો પહેલો જિલ્લો બન્યો છે જ્યાં આવું હોલ્ડિંગ સેન્ટર કાર્યરત થઈ ગયું છે.
માલદાના ઇંગ્લિશ બજાર શહેરના ચંદન પાર્કમાં બનેલા આ સેન્ટરમાં હાલમાં ૯ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને રાખવામાં આવ્યા છે. અહીં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને ૩૦ દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકાશે, જ્યાં તેમની બાયોમેટ્રિક વિગતો લઈને સેન્ટ્રલ ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે.
‘ઇમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ ઍક્ટ, 2026’ હેઠળ કાયદો વધુ સખત બન્યો
સરકારના આ કડક પગલાંને નવા ‘ઇમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ ઍક્ટ’ સાથે જોડવામાં આવી રહ્યું છે. આ નવો કાયદો દેખરેખ અને દેશનિકાલ માટે સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત માળખું પૂરું પાડે છે. આ કાયદા હેઠળ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના રેન્કના પોલીસ અધિકારીને પણ શંકાસ્પદ ઘૂસણખોરોની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા આપવામાં આવી છે. બીજી તરફ, સરકારે ખાતરી આપી છે કે CAA કાયદા હેઠળ સુરક્ષિત લઘુમતીઓને આનાથી કોઈ નુકસાન નહીં થાય.
