ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક પિતા એ પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટનાને અંજામ આપ્યો છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને એક મેડિકલ રિપ્રેઝન્ટેટિવ (MR) પિતાએ પોતાની જ બે સગીર દીકરીઓને રહેંસી નાખી છે.
શું છે સમગ્ર ઘટના?
કાનપુરના નૌબસ્તા વિસ્તારમાં રવિવારે વહેલી સવારે શશિ રંજન મિશ્રા નામના શખ્સે તેની ૧૧ વર્ષની જોડિયા દીકરીઓ રિદ્ધિ અને સિદ્ધિની નિર્મમ હત્યા કરી હતી. આરોપીએ પહેલા દીકરીઓનું ગળું દબાવ્યું અને બાદમાં છરી (ચાપડ) અને હથોડા વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધી હતી. નવાઈની વાત એ છે કે, હત્યા કર્યા બાદ આરોપી પોતે પોલીસને ફોન કરી જાણ કરી હતી.
ઊંઘની ગોળીઓ આપી આખા પરિવારને સુવડાવી દીધો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ રાત્રે ભોજનમાં આખા પરિવારને ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી. જેના કારણે પત્ની અને ૬ વર્ષનો પુત્ર ગાઢ નિંદ્રામાં હતા. આરોપીએ રાત્રે ૧ વાગ્યે એક દીકરી અને ૩ વાગ્યે બીજી દીકરીની હત્યા કરી હતી. પોલીસ જ્યારે ફ્લેટ પર પહોંચી ત્યારે પત્ની અને પુત્રને જગાડવા પડ્યા હતા.
પત્ની પર રાખતો હતો બાજ નજર, ઘરમાં લગાવ્યા હતા 6 કેમેરા
આરોપી શશિ રંજન તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. તેની માનસિકતા એટલી હદે વિકૃત હતી કે તેણે ઘરમાં કિચન, હોલ અને બેડરૂમ સહિત કુલ ૬ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા જેથી તે પત્નીની દરેક હિલચાલ પર નજર રાખી શકે. પત્નીએ જણાવ્યું કે ૨૦૧૪માં તેમના લવ મેરેજ થયા હતા, પરંતુ લગ્ન બાદ પતિ દારૂ પીને મારઝૂડ કરતો હતો.
“આજે જ મારા પતિને ફાંસી આપી દો”
ઘટના બાદ પત્ની રેશમા ભાંગી પડી છે. તેણે પોલીસ પાસે માંગ કરી છે કે તેના પતિને આજે જ ફાંસીની સજા આપવામાં આવે. આરોપી વારંવાર કહેતો હતો કે, “મારી માતા મરી ગઈ છે, હવે હું પણ મરવા માંગુ છું અને દીકરીઓને સાથે લઈ જઈશ.” હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને ફોરેન્સિક ટીમ પુરાવા એકત્ર કરી રહી છે.
