નેપાળ સરકારે દેશમાં કાર્યક્ષમતા વધારવા અને ઈંધણની બચત કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. નેપાળ સરકારે આજે(5 મે) બે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે, જે હેઠળ હવે સરકારી કાર્યાલયો માટે અઠવાડિયામાં શનિવાર અને રવિવાર બંને દિવસ રજા જાહેર કરાઈ છે. નવા નિર્ણયમાં સરકારી કચેરીઓના ખુલવાનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નક્કી કરાયો છે.હવે નેપાળમાં સરકારી કર્મચારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને અઠવાડિયામાં બે દિવસ (શનિવાર અને રવિવાર) રજા આપવામાં આવશે.
નેપાળમાં શા માટે લેવાયો આ નિર્ણય?
સરકારના પ્રવક્તા સસ્મિત પોખરેલના જણાવ્યા અનુસાર, આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ પેટ્રોલિયમ પેદાશોની વધતી જરૂરિયાત અને આર્થિક અસહજ સ્થિતિ છે. 2 દિવસની રજા રાખવાથી વાહનોનો વપરાશ ઘટશે અને ઈંધણની બચત થશે.
નવો સમય અને નવી વ્યવસ્થા
નેપાળ માં અત્યાર સુધી માત્ર શનિવારે જ રજા મળતી હતી, પરંતુ હવે નવી વ્યવસ્થા મુજબ:
-
રજાના દિવસો: હવે શનિવારની સાથે રવિવારે પણ રજા રહેશે.
-
કચેરીનો સમય: સરકારી ઓફિસો હવે સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
-
સમયમાં ફેરફાર: અગાઉ ઓફિસનો સમય સવારે 10 વાગ્યાનો હતો, જેમાં હવે 1 કલાકનો વધારો કરીને સવારે 9 વાગ્યે રિપોર્ટ કરવાનો રહેશે.
ક્યારથી અમલ થશે?
આ નવી વ્યવસ્થા આગામી સોમવારથી સમગ્ર નેપાળમાં લાગુ કરી દેવામાં આવશે. શિક્ષણ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં આ નિયમ સમાન રીતે લાગુ પડશે. સવારે એક કલાક વહેલું કામ શરૂ કરવા પાછળનો હેતુ એ છે કે બે દિવસની રજા હોવા છતાં કામની કાર્યક્ષમતામાં ઘટાડો ન થાય.
