Gujarat Plus
Breaking News
AAPખેડૂત આંદોલનગુજરાત

પરિવર્તન લાવો… ખેડૂત બચાવો…’:સોમનાથથી ‘AAP’ની 13 દિવસીય ‘ખેડૂત યાત્રા’નો પ્રારંભ; 8 જિલ્લામાં ફરી ખેડૂતોની વેદનાને વાચા આપશે, 8 માર્ચે ગાંધીનગરમાં સમાપન

ગુજરાતના રાજકારણમાં ખેડૂતોના પ્રશ્નોને ધાર આપવા માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. “પરિવર્તન લાવો… ખેડૂત બચાવો…” ના નારા સાથે આજરોજ 24 ફેબ્રુઆરીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી 13 દિવસીય ‘ખેડૂતયાત્રા’નો વિધિવત પ્રારંભ થયો છે. આ યાત્રા ગ્રામ્ય ગુજરાતમાં ફરીને ખેડૂતોની વેદનાને વાચા આપશે અને 8 માર્ચે ગાંધીનગરમાં વિશાળ જનસભા સાથે તેનું સમાપન થશે.

108 દિવસના જેલવાસ બાદ પ્રવિણ રામનો હુંકાર:

આ યાત્રાનું મુખ્ય આકર્ષણ યુવા નેતા પ્રવિણ રામનો રાજકીય પુનઃપ્રવેશ છે. ખેડૂત આંદોલનના સંદર્ભમાં 108 દિવસ જેલમાં રહ્યા બાદ તેઓ ફરી સક્રિય થયા છે. સોમનાથ મંદિર ખાતે પૂજા-અર્ચના કર્યા બાદ તેમણે ભાવુક સંબોધન કરતા જણાવ્યું હતું કે, સોમનાથની આ તપોભૂમિ બલિદાન અને સંઘર્ષની પ્રેરણા આપે છે. ખેડૂતોની પીડા દૂર કરવા માટે અમે કોઈપણ ભોગે લડવા તૈયાર છીએ.

 

યાત્રાના મુખ્ય મુદ્દાઓ અને કાર્યક્રમ:-

આ 13 દિવસીય અભિયાન દરમિયાન ‘આપ’ના નેતાઓ અને કાર્યકરો 8 જિલ્લાના અંદાજે 25 વિધાનસભા વિસ્તારોમાં ફરશે. યાત્રા દરમિયાન મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે:

  • ખેડૂતો પર થયેલા કેસો: આંદોલનો દરમિયાન ખેડૂતો પર થયેલા દમન અને નોંધાયેલા પોલીસ કેસો પાછા ખેંચવાની માગ
  • કૃષિ ખર્ચ અને ભાવ: બિયારણ-ખાતરના વધતા ભાવ સામે પાકના નીચા ટેકાના ભાવ
  • આયાતની અસર: વિદેશી કૃષિ ઉત્પાદનોની આયાતથી સ્થાનિક બજારને થતું નુકસાન
  • મૂળભૂત સુવિધાઓ: સિંચાઈનું પાણી, વીજ પુરવઠો અને સરકારી સહાયની વિસંગતતાઓ
  • ઘુસિયા ગીરથી પ્રથમ જનસભા: ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ સામે વિરોધ

    યાત્રાનો પ્રથમ પડાવ તાલાલા તાલુકાના ઘુસિયા ગીર ગામે રહ્યો હતો. અહીં કોળી સમાજની વાડી ખાતે આયોજિત વિશાળ જનસભામાં ખેડૂતો અને યુવાનોનો ભારે મહેરામણ ઉમટી પડ્યો હતો.

    આ તકે પ્રવિણ રામે ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, આ કરારને કારણે આયાતી ખેતી પેદાશો ભારતીય બજારોમાં વધશે, જેની સીધી અસર સ્થાનિક ખેડૂતોની આવક અને ભાવ પર પડશે.

  • ગાંધીનગરમાં કેજરીવાલની હાજરીમાં મહાસંગમ:-

    આ યાત્રા તાલાલા, વેરાવળ અને સુત્રાપાડા જેવા વિસ્તારોમાં પ્રચંડ જનસમર્થન મેળવી રહી છે. યાત્રામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને મહામંત્રી મનોજ સોરઠીયા સહિતના ટોચના નેતાઓ જોડાશે. યાત્રાનું અંતિમ લક્ષ્ય 8 માર્ચ છે, જ્યારે ગાંધીનગરમાં એક વિશાળ જનસભા યોજાશે. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ખાસ ઉપસ્થિત રહેશે અને આગામી રણનીતિની જાહેરાત કરશે.

  • રાજકીય પરિપ્રેક્ષ્યમાં નવી ચર્ચા:-

    ગુજરાતની રાજનીતિમાં ખેડૂતો હંમેશા નિર્ણાયક રહ્યા છે. ટ્રેડ ડીલ અને ખેતીની નીતિઓ સામે ‘આપ’નો આ આક્રમક મિજાજ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર માટે પડકારરૂપ બની શકે છે. સોમનાથથી શરૂ થયેલો આ શંખનાદ ગાંધીનગર પહોંચતા સુધીમાં કેવું સ્વરૂપ ધારણ કરે છે, તેના પર રાજકીય વિશ્લેષકોની નજર મંડાયેલી છે.

સંબંધિત પોસ્ટ્સ

ખેડૂતોને લૂંટીને વેપારીઓને ફાયદો, ઘઉં મુદ્દે AAP નેતા સાગર રબારીનો ભાજપ સરકાર પર પ્રહાર

praxpatel

દાંતાના આ ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની કેમ આપી ચિમકી!

Maheriya Nirali

જામનગરના મકરાણી સમાજના પ્રમુખ ઉપર મકાન ખાલી કરવાના પ્રશ્ને 4 શખ્સોનો હુમલો

ANIL PATEL