દિલ્હી ઍક્સાઇઝ પૉલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નવી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આરોપમુક્ત કરી દેવામાં આવ્યા છે.
આજે દિલ્હીની રાઉઝ ઍવન્યૂ કેસે આ ચુકાદો આપ્યો હતો.
મીડિયા સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલ રડી પડ્યા હતા.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપ દારૂ ગોટાળાને નામે અમારા પર આરોપો લગાવી રહ્યો હતો, પરંતુ આજે કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. હું હંમેશાં કહું છું કે સત્યની જીત થાય છે.”
તેમણે કહ્યું હતું કે, “મોદીજી, અમિત શાહે મળીને આઝાદ ભારતનું સૌથી મોટું રાજકીય ષડયંત્ર રચ્યું. આમ આદમી પાર્ટીના પાંચ મોટા નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા. સત્તાધારી મુખ્ય મંત્રીને છ મહિના જેલમાં રાખવામાં આવ્યા. ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા બે વર્ષ જેલમાં રહ્યા.”
તેમણે રડતાં રડતાં કહ્યું હતું કે, “કેજરીવાલ ભ્રષ્ટ નથી. કેજરીવાલે જિંદગીમાં ઇમાનદારી જ રાખી છે. આજે એ સાબિત થયું. હું વડા પ્રધાનને કહેવા માગું છું કે સત્તા માટે આવું ન કરો.”
“દેશ સામે કેટલી સમસ્યાઓ છે, એના માટે કામ કરવું જોઈએ. સત્તા માટે આવા ખોટા કેસ ન કરવા જોઈએ. આ વડા પ્રધાનને શોભા નથી આપતું.”
મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે આ ભારતના મહાન બંધારણની જીત છે, બાબાસાહેબ આંબેડકરના બંધારણને કારણે સત્યનો વિજય થયો છે.
દિલ્હીની ઍક્સાઇઝ પોલિસીના કથિત કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ અંદાજે છ મહિના જેલમાં રહ્યા હતા.
એ સિવાય મનીષ સિસોદિયા પણ અંદાજે બે વર્ષ જેલમાં રહ્યા હતા.
આમ આદમી પાર્ટીના અન્ય નેતા સંજયસિંહ પણ અલગ–અલગ કેસમાં જેલમાં ગયા હતા.
દિલ્હીની ચૂંટણીમાં ભાજપે કથિત દારૂ કૌભાંડને મોટો મુદ્દો બનાવ્યો હતો અને કેજરીવાલ સામે આરોપો કરવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટીના સંજયસિંહે કહ્યું હતું કે, “કોર્ટે આજે અમારા નેતાઓને આરોપમુક્ત કરી દીધા. એ સાબિત થઈ ગયું કે દેશની સત્તા પર એક ખતરનાક ષડયંત્રકારી વ્યક્તિ રાજ કરી રહી છે.”
“તેણે ષડયંત્ર રચીને દેશના સૌથી લોકપ્રિય અને ઇમાનદાર મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને સૌથી યોગ્ય અને ઈમાનદાર શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા તથા આમ આદમી પાર્ટીને બદનામ કરી.”
તેમણે કહ્યું હતું કે, “અમારા નેતાઓને જેલમાં યાતનાઓ આપવામાં આવી. નરેન્દ્ર મોદીએ દેશ પાસે માફી માગવી જોઈએ.”
કોર્ટે શું કહ્યું?:
મનીષ સિસોદિયાને પણ આરોપમુક્ત કરવામાં આવ્યા છે
રાઉઝ ઍવન્યૂ કોર્ટનો આ નિર્ણય કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલા મામલામાં આવ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં સીબીઆઈ તપાસમાં રહેલી ખામીઓ અંગે પણ કડક ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ચાર્જશીટના હજારો પાનામાં એવી સામગ્રી છે જે કોઈપણ સાક્ષીની જુબાનીને સમર્થન આપતી નથી.
વિશેષ ન્યાયાધીશ જિતેન્દ્રસિંહે કહ્યું કે ચાર્જશીટમાં ‘ભ્રામક દાવા’ કરવામાં આવ્યા છે.
કોર્ટે જણાવ્યું હતું કે સીબીઆઈ સિસોદિયા સામે પ્રથમ દૃષ્ટિએ કેસ બનાવવામાં જ નિષ્ફળ રહી હતી. વધુમાં, ન્યાયાધીશે જણાવ્યું હતું કે કેજરીવાલને કોઈ પણ નોંધપાત્ર પુરાવા વિના કેસમાં ફસાવવામાં આવ્યા હતા.
રાઉઝ ઍવન્યૂ કોર્ટે આ કેસમાં બંને નેતાઓ સહિત તમામ 23 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
