અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના મહત્વના બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (Bushehr Nuclear Power Plant) પર મિસાઈલ હુમલો કર્યો છે.
શરૂઆતના અહેવાલો મુજબ, અમેરિકન મિસાઈલોના ટુકડા ન્યુક્લિયર ફેસિલિટી પર પડ્યા હતા. જો કે, ઈરાનના અધિકારીઓ હવે આ વાતનો ઈનકાર કરી રહ્યા છે. બુશેહરના ગવર્નર મોહમ્મદ મુઝફ્ફરીએ પુષ્ટિ કરી છે કે શહેર પર હુમલો થયો છે, પરંતુ ન્યુક્લિયર પાવર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યો હોવાની વાતને તેમણે નકારી કાઢી છે.
ખારગ દ્વીપ પર પણ હુમલાના અહેવાલ
ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, અમેરિકા દ્વારા ખારગ દ્વીપ (Kharg Island) પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો હતા, જેને ગવર્નરે ખોટા ગણાવ્યા છે. આ દ્વીપ ઈરાન માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે ઈરાનના કુલ કાચા તેલની નિકાસનો 90 ટકા હિસ્સો અહીંથી જ પ્રોસેસ થાય છે. ઈરાનનું કહેવું છે કે આ બંને જગ્યાએ પ્લાન્ટ સુરક્ષિત છે.
શા માટે ખાસ છે ઈરાનનું બુશેહર?
બુશેહર ન્યુક્લિયર પ્લાન્ટને 20 વર્ષ પહેલા રશિયન એન્જિનિયરો અને કર્મચારીઓએ બનાવ્યો હતો.
-
અગાઉના અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધો દરમિયાન પણ બુશેહર પર ક્યારેય બોમ્બમારો કરવામાં આવ્યો ન હતો.
-
તે સમયે નતાંઝ, ફોર્ડો અને ઈસ્ફહાનની ન્યુક્લિયર ફેસિલિટીઝ પર અમેરિકન B-2 બોમ્બરથી હુમલા થયા હતા.
-
હાલમાં પણ આ પ્લાન્ટમાં રશિયન ટેકનિકલ સ્ટાફ હાજર છે અને તેહરાનના અધિકારીઓ કહી રહ્યા છે કે ન્યુક્લિયર પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી.
ચીન-ઈરાન રેલ કોરિડોરના પુલ પર હુમલો
અમેરિકન હવાઈ હુમલામાં ઈરાનના ઉત્તરી પ્રાંત ગોલેસ્તાનનો ‘અક તાકેહ ખાન’ રેલવે પુલ ક્ષતિગ્રસ્ત થયો છે. આ પુલ ઈરાન અને તેના સૌથી મોટા વ્યાપારી ભાગીદાર ચીન વચ્ચેના વેપારનો મુખ્ય માર્ગ છે. અમેરિકન નાકાબંધી દરમિયાન રશિયા સુધી માલ મોકલવા માટે પણ આ રૂટનો ઉપયોગ થતો હતો. આ રેલવે લાઈન તુર્કમેનિસ્તાન અને કઝાકિસ્તાન થઈને ચીન સુધી જાય છે.
ઈરાને અમેરિકાના હુમલાને ‘ગંભીર યુદ્ધ અપરાધ’ ગણાવ્યો
ઈરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાની આકરી ટીકા કરી છે. ઈરાને તેને “ગંભીર યુદ્ધ અપરાધ” ગણાવ્યો છે. ઈરાનનો આરોપ છે કે વોશિંગ્ટને યુદ્ધ સમાપ્ત કરવા માટે થયેલા વચગાળાના કરાર (MoU) ની કલમ 1 અને 5 નું ઉલ્લંઘન કર્યું છે.
બીજી તરફ, બુધવારે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી દીધી હતી કે ઈરાન સાથેનો આ સમજૂતી કરાર (MoU) હવે “ખતમ” થઈ ગયો છે. આ જાહેરાત બાદ બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ વણસી ગઈ છે.
< /p>
