Gujarat Plus
રાષ્ટ્રીય

એક જ પ્રિસ્ક્રિપ્શનમાં 4-5 દવાઓ કેમ લખે છે ડૉક્ટર્સ? જાણો શું કહે છે WHO ના નિયમો અને વધુ દવાઓ લેવી કેટલી સુરક્ષિત

WHO

WHO : સામાન્ય શરદી-ખાંસી કે તાવ માટે પણ જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, ત્યારે પ્રિસ્ક્રિપ્શનમાં 4 થી 5 દવાઓ લખેલી જોવા મળે છે. તાજેતરમાં ઇસ્લામાબાદની હેલ્થ સર્વિસિસ એકેડેમી દ્વારા કરાયેલા અને ‘ડિસ્કવર પબ્લિક હેલ્થ’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે પાકિસ્તાનની હોસ્પિટલોમાં ડૉક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન દીઠ સરેરાશ 4.2 દવાઓ (અને પેશાવરની હોસ્પિટલમાં સરેરાશ 10.56 દવાઓ) લખી રહ્યા છે.

આ સ્થિતિ માત્ર પાડોશી દેશ પૂરતી સીમિત નથી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) ના અહેવાલો અનુસાર ભારતમાં પણ ડૉક્ટર્સ આઉટપેશન્ટ પ્રિસ્ક્રિપ્શન પર સરેરાશ 2.2 થી 3.9 દવાઓ લખે છે, જે વૈશ્વિક આરોગ્ય સંસ્થા (WHO) ના નિર્ધારિત ધોરણો કરતાં ઘણી વધારે છે.

WHO ના નિર્ધારિત માપદંડો શું છે?

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના તબીબી પ્રોટોકોલ મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન માટે સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે:

  • મર્યાદિત દવાઓ: એક સામાન્ય પ્રિસ્ક્રિપ્શનમાં સરેરાશ 1.6 થી 1.8 દવાઓ જ હોવી જોઈએ.

  • જેનેરિક નામોનો ઉપયોગ: દવાઓ શક્ય તેટલી તેમના બ્રાન્ડ નેમને બદલે જેનરિક નામોથી જ લખાવી જોઈએ.

  • એન્ટિબાયોટિક્સનો મર્યાદિત ઉપયોગ: જ્યારે અત્યંત આવશ્યક હોય ત્યારે જ એન્ટિબાયોટિક્સ પ્રિસ્ક્રાઈબ કરવી જોઈએ.

  • ઇન્જેક્શનની જરૂરિયાત: ગંભીર સંજોગો સિવાય સામાન્ય બીમારીઓમાં બિનજરૂરી ઇન્જેક્શન આપવાનું ટાળવું જોઈએ.

ડૉક્ટર્સ એકસાથે વધુ દવાઓ શા માટે લખે છે?

દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલના પ્રોફેસર ડૉ. અજીત જૈનના જણાવ્યા અનુસાર ડૉક્ટર્સ ઘણીવાર નીચેના કારણોસર વધુ દવાઓ લખવા મજબૂર બને છે:

  • એકસાથે અનેક લક્ષણો: ઘણી વખત દર્દી તાવની સાથે શરીરનો દુખાવો, ઊલટી, ગેસ-એસિડિટી અને નબળાઈ જેવી અનેક ફરિયાદો લઈને આવે છે. આ તમામ લક્ષણોને તુરંત કાબૂમાં લેવા અલગ-અલગ દવા આપવી પડે છે.

  • ઝડપી રાહતની માગ: ઘણા કિસ્સાઓમાં દર્દી પોતે એવી માગણી કરે છે કે તેમને તાત્કાલિક સાજા થવું છે, જેથી ડૉક્ટરે સપોર્ટિવ દવાઓ ઉમેરવી પડે છે.

  • સંભવિત સાઇડ ઇફેક્ટ્સ રોકવા: મુખ્ય એન્ટિબાયોટિક કે પેઇન કિલર પેટમાં એસિડિટી ન કરે તે માટે સાથોસાથ એન્ટાસિડ કે ગેસની ગોળીઓ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે.

  • જટિલ રોગોની સારવાર: જો દર્દીને એકસાથે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર કે હૃદયરોગ હોય, અથવા ટીબી, કેન્સર અને HIV જેવા ગંભીર ચેપ હોય, તો પ્રોટોકોલ મુજબ મલ્ટિપલ ડ્રગ થેરાપી અનિવાર્ય બની જાય છે.

વધુ પડતી દવાઓ લેવાથી થતા નુકસાન

જરૂર કરતાં વધારે કે બિનજરૂરી દવાઓનું સેવન શરીર માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે:

  • ડ્રગ-ટુ-ડ્રગ રિએક્શન: એકસાથે વધુ દવાઓ લેવાથી તેમની વચ્ચે આંતરિક પ્રતિક્રિયા (રિએક્શન) થવાનું જોખમ રહે છે.

  • કિડની અને લિવર પર બોજ: તમામ પ્રકારની દવાઓનું મેટાબોલિઝમ લિવર અને કિડની દ્વારા થાય છે. પેઇન કિલર્સ અને એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ લાંબા ગાળે કિડની ફેઇલ્યોર કે લિવર ડેમેજ નોંતરી શકે છે.

  • વૃદ્ધો માટે વધુ જોખમ: વરિષ્ઠ નાગરિકો જેઓ પહેલેથી ક્રોનિક બીમારીઓથી પીડાય છે, તેમનામાં વધુ દવાઓની આડઅસર ઝડપથી જોવા મળે છે.

દર્દીઓએ શું સાવચેતી રાખવી જોઈએ?

  • ડૉક્ટર સાથે ખુલીને પૂછપરછ: જો પ્રિસ્ક્રિપ્શનમાં ઘણી બધી દવાઓ લખેલી હોય, તો પોતાની મેળે દવા બંધ કરવાને બદલે ડૉક્ટરને પૂછો કે દરેક દવા કયા લક્ષણ માટે છે, કેટલા દિવસ લેવાની છે અને શું આ બધી જ ગોળીઓ લેવી અત્યંત જરૂરી છે?

  • સેલ્ફ-મેડિકેશન ટાળો: માથાનો દુખાવો કે સાધારણ પેટના દુખાવામાં મેડિકલ સ્ટોર પરથી જાતે પેઇન કિલર્સ કે એન્ટિબાયોટિક્સ ખરીદીને ખાવાની ટેવ તાત્કાલિક બંધ કરવી જોઈએ.

સંબંધિત પોસ્ટ્સ

2028માં વિધાનસભા ચૂંટણી નહીં લડું, રાજકારણ ભ્રષ્ટ થઈ ગયું છે: સિદ્ધારમૈયાની મોટી જાહેરાત

praxpatel

નિતિન ગડકરીનું મોટું નિવેદન: ‘રાજા કે સરકાર સેક્યુલર હોઈ શકે, પણ વ્યક્તિ ક્યારેય ધર્મનિરપેક્ષ ન હોઈ શકે’

praxpatel

રિસોર્ટ પોલિટિક્સમાં કોંગ્રેસમાં હંગામો: રૂમ અને ખાવાનું ન મળતાં જયપુરના ઉમેદવારો રાતોરાત ઘરભેગા!

praxpatel