Gujarat Plus
રાષ્ટ્રીય

‘આપણે હિન્દુસ્તાનીઓ જાન લેનારા નહીં, જાન બચાવનારા છીએ’: વડાપ્રધાન મોદીએ બહાદુર પાયલટ સ્મિત મચ્છાર સાથે કરી વાત; કેપ્ટન થયા ભાવુક

Smit Machhar : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં પોતાના પર થયેલા ઘાતકી હુમલા છતાં ૧૭૪ મુસાફરોનો ચમત્કારિક બચાવ કરનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છાર સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરી છે. વડાપ્રધાને કેપ્ટન સ્મિત મચ્છારના સાહસ, સમયસૂચકતા અને નેતૃત્વની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી તેમજ તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારાની પ્રાર્થના કરી હતી.

આ વાતચીત દરમિયાન વડાપ્રધાન સમક્ષ પોતાનો અનુભવ વર્ણવતા કેપ્ટન સ્મિત મચ્છાર ભાવુક થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, હુમલા બાદ શરૂઆતમાં સાઉદી અરેબિયાના તબુક ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ કેપ્ટન મચ્છારને વધુ સારવાર માટે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અબુ ધાબી ખસેડવામાં આવ્યા છે.

“આખો દેશ તમારા માટે મહામૃત્યુંજય જાપ કરી રહ્યો છે”: પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ વાતચીતની શરૂઆતમાં તેમની તબિયત પૂછી હતી. સ્મિત મચ્છારે જણાવ્યું કે તેઓ હવે સ્થિર છે.

તેના પર વડાપ્રધાને લાગણીસભર શબ્દોમાં કહ્યું:

“આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે અને મહામૃત્યુંજય મંત્રનો જાપ ચાલી રહ્યો છે. તમારી હિંમત, ધૈર્ય અને સૂઝબૂઝે સેકન્ડના સોમા ભાગમાં (Fraction of a second) નિર્ણયો લઈને આટલા બધા લોકોનો જીવ બચાવ્યો. આજે સમગ્ર દેશ ગર્વથી કહી શકે છે કે આપણે હિન્દુસ્તાનીઓ જાન લેનારા લોકો નથી, જાન બચાવનારા લોકો છીએ. સ્મિત, જ્યારે પણ તમને મારી જરૂર હોય, હું માત્ર એક ફોન કોલના અંતરે છું. આખો દેશ તમારી સ્વદેશ વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.”

“હુમલા થઈ રહ્યા હતા છતાં મેં દરવાજો ખોલી નાખ્યો”: કેપ્ટને વર્ણવી ઘટના

કેપ્ટન સ્મિત મચ્છારે હુમલાના એ ભયાનક પળોને યાદ કરતાં વડાપ્રધાનને જણાવ્યું:

  • ૧૭ વર્ષનો ફ્લાઇંગ અનુભવ: સ્મિત મચ્છારે કહ્યું, “હું ૧૭ વર્ષથી એવિએશનમાં વિમાન ઉડાવી રહ્યો છું અને છેલ્લા ૧૧ વર્ષથી કેપ્ટન છું. આંખો બંધ હોય તો પણ મને ખબર પડે છે કે વિમાન સાથે શું થઈ રહ્યું છે. જ્યારે હુમલા બાદ હું ફ્લોર પર પડ્યો, ત્યારે મને ખ્યાલ આવી ગયો કે વિમાન સીધું નીચે જઈ રહ્યું છે.”

  • આખરી પ્રયાસ: “મારા મગજે કહ્યું કે સ્મિત આ તારો છેલ્લો પ્રયાસ છે, બસ કરી બતાવ. મારા પર સતત ચપ્પુના ઘા થઈ રહ્યા હતા, છતાં મેં કોઈ રીતે કૉકપિટનો દરવાજો ખોલી નાખ્યો જેથી બહારથી લોકો અંદર આવી શકે. મુસાફરો અને ક્રૂ અંદર આવ્યા અને તેમણે હુમલાખોરને પકડી પાડ્યો. આમાં બધાની સરખી ભૂમિકા હતી.”

મુશ્કેલ ઘડીમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો

કેપ્ટને જણાવ્યું કે મોત સામે દેખાતું હતું તે સ્થિતિમાં તેમણે હનુમાન ચાલીસાનું સ્મરણ કરીને પોતાની જાતને શાંત રાખી હતી:

  • “મને જ્યારે પણ ડર લાગે છે ત્યારે હું હનુમાન ચાલીસાનો પાઠ કરું છું. તે અત્યંત કપરી ક્ષણોમાં પણ હું સતત હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો અને મને વિશ્વાસ હતો કે ઈશ્વરની કૃપા મારી સાથે છે.”

  • તેમણે ઉમેર્યું કે તેઓ વિદેશમાં રહેવા છતાં પોતાના બે વર્ષના પુત્ર સાથે નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને પરિવારે ભારતીય સંસ્કૃતિ સાથેનો નાતો અતૂટ રાખ્યો છે.

  • વાતચીત દરમિયાન કેપ્ટને કહ્યું, “મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું આ રીતે આપણી સાથે વાત કરીશ.” જેના પર વડાપ્રધાને હળવાશથી કહ્યું કે, “તમે મારી સામે ભાવુક નહીં થાવ તો ક્યાં થશો?”

ભારતીય રાજદૂત અને વિદેશ મંત્રાલય સંપર્કમાં

યુએઈમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે હોસ્પિટલ પહોંચીને કેપ્ટન સ્મિત મચ્છાર અને તેમના પરિવારની રૂબરૂ મુલાકાત લીધી હતી. ભારતીય દૂતાવાસે જણાવ્યું કે કેપ્ટનની તબિયત સારી છે અને તેઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે.

વિદેશ મંત્રાલયે પણ સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અબુ ધાબી સ્થિત દૂતાવાસ અને દુબઈ સ્થિત કોન્સ્યુલેટ સ્થાનિક તબીબી સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને કેપ્ટન મચ્છારના સાહસને સલામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં કૉકપિટની અંદર કો-પાઇલટે કેપ્ટન પર ચપ્પુ વડે હુમલો કરી વિમાનને પટકી દેવાનો પ્રયાસ કર્યો હતો. ૩૪,૦૦૦ ફૂટથી પ્લેન ઝડપથી નીચે આવી ગયું હતું, પરંતુ ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવીને ૨૭ બાળકો સહિત તમામ ૧૭૪ મુસાફરોનો આબાદ બચાવ કર્યો હતો.

સંબંધિત પોસ્ટ્સ

PUC વગર પેટ્રોલ-ડીઝલ નહીં મળે: ફક્ત BS-6 એન્જિનવાળા વાહનોને જ એન્ટ્રી, વધતા પ્રદુષણને લઈ દિલ્હીમાં GRAP-4 લાગુ

Gujarat Plus

ટાટા સુમો પર પહાડ તૂટી પડતાં 13 લોકોના મોત, ચંબામાં 800 મીટર ઊંડી ખાઈમાં લટકતો ટ્રક ઉગારાયો

praxpatel

શું પોલીસ કોઈને બળજબરીથી ઉપવાસ પરથી હટાવી શકે? જાણો ભૂખ હડતાળ પર કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ

praxpatel