gujarat : ગુજરાતના શહેરી વિસ્તારોમાં કચરાના ગંજ, ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ્સ (GVP) અને જાહેર સ્થળો પર જોવા મળતી ગંદકી મુદ્દે રાજ્ય સરકારે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. સ્વચ્છ ભારત મિશન (અર્બન) ની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયેલા સરપ્રાઇઝ સ્પોટ ચેકિંગમાં અનેક શહેરોમાં ગંભીર ખામીઓ સામે આવ્યા બાદ, નાણા વિભાગે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને કડક અલ્ટીમેટમ પાઠવ્યું છે.
નવા આદેશ મુજબ, સ્વચ્છતા હવે માત્ર સર્વેક્ષણ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ફાળવવામાં આવતી રાજ્ય સરકારની વિકાસ ગ્રાન્ટ સાથે સીધી રીતે જોડી દેવામાં આવી છે. જો તપાસમાં સ્વચ્છતા સંબંધિત ક્ષતિ કે બેદરકારી જણાશે, તો પાલિકાઓની સરકારી ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે.
પાલિકાઓ માટે કયા નિયમોનું પાલન ફરજિયાત બન્યું?
નાણા વિભાગ અને શહેરી વિકાસ વિભાગે સ્થાનિક વહીવટી તંત્ર માટે નીચે મુજબના માપદંડો પૂર્ણ કરવા ફરજિયાત બનાવ્યા છે:
-
૧૦૦% ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને પ્રોસેસિંગ: શહેરી વિસ્તારોમાં પ્રત્યેક ઘરમાંથી ૧૦૦ ટકા કચરાનું એકત્રીકરણ થવું જોઈએ અને રોજેરોજ એકઠા થતા કચરાનું યોગ્ય વૈજ્ઞાનિક પ્રોસેસિંગ થાય તેવી નક્કર વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવી પડશે.
-
GVP મુક્ત શહેર અને વિઝિબલ ક્લીનલિનેસ: જાહેર માર્ગો કે ખુલ્લા પ્લોટ પર કચરો ફેંકવાના પોઈન્ટ્સ (GVP) સંપૂર્ણપણે નાબૂદ કરવા પડશે અને શહેરમાં ‘આંખે ઊડીને વળગે તેવી સ્વચ્છતા’ (Visible Cleanliness) દેખાવી અનિવાર્ય છે.
-
લેગેસી વેસ્ટનો નિકાલ અને જમીનનો પુનઃઉપયોગ: વર્ષોથી ડમ્પિંગ સાઇટ્સ પર પડેલા જૂના કચરા (લેગેસી વેસ્ટ) નો ૧૦૦ ટકા નિકાલ કરી ડમ્પ સાઇટ મુક્ત બનાવવાનું લક્ષ્ય અપાયું છે. માત્ર કચરો હટાવવો પૂરતો નથી, પરંતુ ખુલ્લી થયેલી જમીનનો સામાજિક કે વિકાસલક્ષી હેતુ માટે યોગ્ય ઉપયોગ પણ કરવો પડશે.
-
હાઈ-ટ્રાફિક ઝોન પર બાજ નજર: શહેરના પ્રવેશદ્વારો, બસ-રેલવે સ્ટેશનો, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થાનો અને ભારે અવરજવર ધરાવતા વિસ્તારો (CTU) માં કચરો ન દેખાય તે માટે ઝોનવાઇઝ વિશેષ સફાઈ ટીમો તૈનાત કરવી પડશે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્રની જવાબદારી નક્કી
સરકારે સ્પષ્ટ કર્યું છે કે સફાઈની જવાબદારી માત્ર મ્યુનિસિપલ કમિશનરો કે ચીફ ઓફિસરો પૂરતી સીમિત રહેશે નહીં:
-
ડેઇલી ફિલ્ડ વિઝિટ: ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને ‘લીડ ફેસિલિટેટર’ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે દરરોજ ઓછામાં ઓછું એક વખત પોતાના વોર્ડ કે વિસ્તારની ફિલ્ડ વિઝિટ કરીને વાસ્તવિક સ્થિતિ ચકાસવી પડશે.
-
બેઠકોમાં પ્રાથમિકતા: સ્ટેન્ડિંગ કમિટી, સામાન્ય સભા અને કમિશનર/ચીફ ઓફિસર સાથેની સમીક્ષા બેઠકોના એજન્ડામાં સ્વચ્છતાના મુદ્દાને સર્વોચ્ચ અગ્રતા આપવાની રહેશે.
ફ્લાઇંગ સ્ક્વોડના સરપ્રાઈઝ ચેકિંગ રિપોર્ટ બાદ હવે રાજ્યની તમામ સ્થાનિક સંસ્થાઓ માટે સરકારી ભંડોળ મેળવવા માટે સ્વચ્છતાના ધોરણો જાળવવું અનિવાર્ય બની ગયું છે.
