ગાંધીનગર/અમદાવાદ: વિકાસશીલ, સુરક્ષિત અને કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટિએ અગ્રેસર ગણાતા ગુજરાતમાં માનવ તસ્કરીના કાળા કારોબારને લઈને અત્યંત ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. રાજ્યસભામાં રજૂ કરાયેલા સત્તાવાર અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન ગુજરાતમાં માનવ તસ્કરીના ગુનામાં પોલીસે ૨૮૪ આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ તેમાંથી માત્ર ૫ આરોપીઓને જ સજા થઈ શકી છે. રાજ્યમાં માનવ તસ્કરીના કેસોમાં સજાનો દર (Conviction Rate) માત્ર ૧.૭૬ ટકા જેટલો તળિયે રહ્યો છે, જ્યારે ૯૮ ટકાથી વધુ આરોપીઓ કાયદાના સકંજામાંથી છટકી જવામાં સફળ રહ્યા છે.
બાળકોને મજૂરી અને યુવતીઓને દેહવ્યાપારના દલદલમાં ધકેલાય છે
સામાજિક કાર્યકરોના મતે, ગુજરાત એક ઔદ્યોગિક અને આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય હોવાથી અન્ય રાજ્યોમાંથી મોટા પાયે શ્રમિકો અને પરિવારો રોજગારીની શોધમાં અહીં આવે છે. માનવ તસ્કરી કરતી ટોળકીઓ ખાસ કરીને આદિવાસી વિસ્તારો, ગ્રામીણ પટ્ટા અને પરપ્રાંતીય ગરીબ પરિવારોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે.
નાના બાળકો અને કિશોરોને ઊંચા પગારની લાલચ આપીને કારખાનાઓ, ઈંટના ભઠ્ઠાઓ કે ઘરકામમાં ધકેલી દેવામાં આવે છે. તેવી જ રીતે, યુવતીઓ અને સગીરાઓને સારી નોકરી કે લગ્નની લાલચ આપી ગુજરાતના મોટા શહેરોમાં લાવીને દેહવ્યાપારના દલદલમાં ધકેલવાનું ષડયંત્ર ચલાવવામાં આવે છે.
રાજ્યસભાના રિપોર્ટમાં ગુજરાત પોલીસની કામગીરી સામે સવાલો
રાજ્યસભામાં રજૂ થયેલા આંકડાઓએ ગુજરાત પોલીસની તપાસ પદ્ધતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે:
-
ગુજરાત: વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ સુધીના ચાર વર્ષમાં રાજ્યની કોઈ પણ અદાલતમાં માનવ તસ્કરીના એક પણ આરોપીને દોષિત ઠેરવી સજા સંભળાવવામાં આવી ન હતી. પાંચ વર્ષના ગાળામાં માત્ર વર્ષ ૨૦૨૪માં જ ૫ આરોપીઓને સજા અપાવવામાં પોલીસને સફળતા મળી હતી (સજા દર ૧.૭૬%).
-
મધ્યપ્રદેશ: પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પાંચ વર્ષમાં ૧,૭૧૭ ધરપકડો સામે ૧૪૪ આરોપીઓને સજા ફટકારવામાં આવી છે, જ્યાં સજાનો દર ૮.૩૮ ટકા છે.
-
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં ૪,૦૭૧ ધરપકડો સામે ૧૪ ગુનેગારો દોષિત ઠર્યા છે.
નબળી પોલીસ તપાસ અને સાક્ષીઓ ફરી જવાથી આરોપીઓ બચી જાય છે
કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પોલીસ આરોપીઓની ધરપકડ કરીને સંતોષ માની લે છે, પરંતુ કોર્ટમાં ટકી શકે તેવા વૈજ્ઞાનિક અને નક્કર દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવામાં ઉણી ઉતરે છે. ઢીલી ચાર્જશીટને કારણે આરોપીઓને કોર્ટમાં ફાયદો મળે છે.
આ ઉપરાંત, મોટાભાગના પીડિતો અત્યંત ગરીબ અથવા અન્ય રાજ્યોના હોવાથી કેસ ચાલતા સમયે તેઓ પોતાના વતન પરત ફરી જાય છે અથવા આરોપીઓની ધમકી અને પૈસાની લાલચમાં આવી કોર્ટમાં નિવેદન બદલી નાખે છે (હોસ્ટાઇલ થઈ જાય છે). બીજી તરફ, રાજ્યમાં કાર્યરત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) પાસે પૂરતા સ્ટાફ અને આધુનિક સાધનોનો અભાવ હોવાથી તપાસની ગુણવત્તા પર અસર પડે છે. જો માનવ તસ્કરોને કડક સજા નહીં થાય, તો ગુનેગારોમાંથી કાયદાનો ડર ખતમ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
