અમદાવાદ: દેશનું ‘ફાર્મા હબ’ ગણાતું ગુજરાત રાજ્ય હવે ગેરકાયદે ડ્રગ્સના ઉત્પાદન અને આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટના સંકલનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના રિપોર્ટમાં થયો છે. તાજેતરમાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી લબ્બૈક સોસાયટીના એક બંગલામાંથી વર્ષ ૨૦૨૪થી ધમધમતી ડ્રગ્સ બનાવવાની ગુપ્ત ફેક્ટરીનો NCB દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં ગુપ્ત ડ્રગ્સ પ્રયોગશાળાઓ રોકવા માટે NCB એ ‘રેડ ફ્લેગ’ પરિપત્ર જારી કરીને પોલીસ તંત્ર અને નાગરિકોને વિશેષ સતર્ક રહેવા તાકીદ કરી છે.
જોધપુર યુનિટની તપાસ બાદ સરખેજમાં ખુલ્યું ગુપ્ત ફેક્ટરીનું રહસ્ય
NCB ના જોધપુર યુનિટે ગત નવરાત્રિ દરમિયાન રાજસ્થાનથી એમ.ડી. (MD) ડ્રગ્સ લઈને સુરેન્દ્રનગર આવતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ જોધપુર યુનિટના વડાની ગુજરાતમાં બદલી થતાં તપાસનો દોર આગળ વધ્યો હતો અને રાજસ્થાનની ટોળકી સાથે સંકળાયેલા સરખેજના રહીશ મુદ્દસરખાન અહેમદખાન પઠાણના બંગલામાંથી આ ગુપ્ત ડ્રગ્સ ફેક્ટરી પકડી પાડવામાં આવી હતી. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૬માં અમદાવાદના સરખેજ ઉપરાંત ભરૂચ, સુરત અને અંકલેશ્વરમાં પણ ગેરકાયદે ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે.
રહેણાંક મકાનોમાંથી ઝડપાયા જોખમી રસાયણો અને લેબોરેટરીના સાધનો
ગુજરાત, રાજસ્થાન, મુંબઈ, લાતુર અને ભોપાલ સહિતના વિસ્તારોમાં પકડાયેલી ફેક્ટરીઓ એક જ પદ્ધતિથી કાર્યરત હોવાનું સામે આવ્યું છે. આ દરોડા દરમિયાન મેથામ્ફેટામાઇન અને મેફેડ્રોનના ઉત્પાદનમાં વપરાતા હાઇડ્રોક્લોરિક એસિડ, એસિટોન, ટોલ્યુએન, સલ્ફ્યુરિક એસિડ અને પોટેશિયમ પરમેંગેનેટ જેવા જોખમી રસાયણો જપ્ત કરાયા છે. આ ઉપરાંત રહેણાંક મકાનો અને અવાવરું જગ્યાઓમાંથી હીટિંગ મેન્ટલ્સ, કાચના રિએક્શન વેસલ્સ, રસાયણોના ડ્રમ, ફિલ્ટરેશન સાધનો અને રેસ્પિરેટર્સ જેવા પ્રયોગશાળાના ઉપકરણો પણ મળી આવ્યા છે.
પોલીસ અને નાગરિકો માટે NCB ની ‘રેડ ફ્લેગ’ ચેતવણી: આ સંકેતો પર રાખો નજર
ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક સહિત પશ્ચિમ દરિયાકાંઠાના રાજ્યોમાં દરિયાઈ અને હવાઈ માર્ગે રસાયણોની હેરાફેરી તથા નાઈટલાઈફમાં ડ્રગ્સનું દૂષણ ચિંતાજનક રીતે વધ્યું છે. આથી NCB એ ગુજરાત સહિતના રાજ્યોને ‘રેડ ફ્લેગ સ્ટેટ’ જાહેર કરીને મકાનમાલિકો, મિલકત ડીલરો, ઔદ્યોગિક સંગઠનો અને રહીશોને નીચે મુજબની શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જ પોલીસ કે NCB ને જાણ કરવા અપીલ કરી છે:
-
રહેણાંક વિસ્તાર કે ભાડાના મકાનમાં રાસાયણિક ડ્રમ અને પ્રયોગશાળાના સાધનોની શંકાસ્પદ અવરજવર.
-
આસપાસના વિસ્તારમાં આવતી અસામાન્ય અને તીવ્ર રાસાયણિક ગંધ અથવા રાસાયણિક ડાઘ.
-
મકાનની કાળી કરેલી બારીઓ અને જરૂર કરતાં વધુ પડતું વેન્ટિલેશન (એક્ઝોસ્ટ ફેન).
-
અસામાન્ય રીતે ખૂબ જ વધુ વીજળીનો વપરાશ અને રાસાયણિક કચરાનો શંકાસ્પદ નિકાલ.
યુવા પેઢીના ભવિષ્યને બચાવવા માટે માત્ર નાના પેડલરોને પકડવાને બદલે આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો, ફાઇનાન્સર્સ અને આંતરરાજ્ય લિંક્સ સુધી પહોંચીને કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની છે.
