લંડન/ઓક્સફોર્ડ: બ્રિટનની વિશ્વપ્રસિદ્ધ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પીએચડી (PhD) કરી રહેલી એક ભારતીય વિદ્યાર્થિનીએ પોતાની સાથે થયેલા નસ્લભેદી દુર્વ્યવહારનો ચોંકાવનારો અનુભવ શેર કર્યો છે. કામાક્ષી નામની આ વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ઓક્સફોર્ડ શહેરમાં ખરીદી કરતી વખતે એક શ્વેત મહિલાએ તેમની પર અત્યંત અપમાનજનક અને નસ્લભેદી ટિપ્પણી કરી હતી.
દુકાનમાં શ્વેત મહિલાએ શું કહ્યું?
કામાક્ષીએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, તેઓ એક સ્થાનિક દુકાનમાં સામાન જોઈ રહ્યા હતા, ત્યારે એક શ્વેત મહિલા વારંવાર તેમની આસપાસ ચક્કર લગાવવા લાગી હતી, જેનાથી તેઓ અસહજ થઈ ગયા હતા. થોડીવાર પછી તે મહિલા તેમની નજીક આવી અને અત્યંત તોછડા અંદાજમાં કહ્યું કે, “હું આવું કરવા નહોતી માંગતી, પરંતુ મારે કહેવું પડશે કે તમારામાંથી ખૂબ જ ખરાબ દુર્ગંધ આવે છે.”
આ અચાનક અને બેહુદી ટિપ્પણી સાંભળીને કામાક્ષી સ્તબ્ધ રહી ગયા હતા. તેઓ કંઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ તે મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી.
પિતાના મનપસંદ અત્તર સાથે જોડાયેલી હતી લાગણી
કામાક્ષીએ જણાવ્યું કે, આ ટિપ્પણીથી તેમને ઊંડો આઘાત લાગ્યો હતો કારણ કે તે દિવસે તેમણે પોતાના પિતાનું સૌથી મનપસંદ અત્તર (પરફ્યુમ) લગાવ્યું હતું. આ ઘટના બાદ તેઓ માનસિક રીતે એટલા વ્યથિત થઈ ગયા હતા કે આખો દિવસ પોતાની જાતને લોકોની નજરોથી છુપાવવાનો પ્રયાસ કરતા રહ્યા હતા.
‘હું આજે પણ દેશી કપડાં, ઝુમખાં અને બિંદી લગાવું છું’: કામાક્ષી
ઓક્સફોર્ડમાં નસ્લવાદની ઘટનાઓ અંગે વાત કરતા કામાક્ષીએ સ્પષ્ટ કર્યું કે, આ કોઈ એકલદોકલ બનાવ નથી, પરંતુ રસ્તા પર થતા રોજિંદા ભેદભાવથી લઈને મોટી સંસ્થાઓના વલણ સુધીની એક વ્યાપક માનસિકતાનો હિસ્સો છે.
જોકે, આ કડવા અનુભવ છતાં કામાક્ષીએ પોતાની ભારતીય સંસ્કૃતિ અને ઓળખ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. ભારતમાં અગાઉ થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન એક મિત્રની સલાહને યાદ કરતા તેમણે કહ્યું કે, “આપણે દરરોજ લડીએ છીએ અને હારીએ છીએ, પરંતુ આ દુનિયાને થોડી વધુ આપણી બનાવીએ છીએ.” તેમણે મક્કમતાપૂર્વક ઉમેર્યું કે, “કોઈ અજાણી વ્યક્તિની ટિપ્પણીથી હું મારો આત્મવિશ્વાસ ડગવા નહીં દઉં. એટલા માટે જ હું આજે પણ દેશી કપડાં પહેરું છું, ઝુમખાં પહેરું છું, માથે બિંદી લગાવું છું અને એ જ અત્તર લગાવું છું.”
