નવી દિલ્હી: ભારતીય રેલવેમાં કન્ફર્મ ટિકિટ મેળવવી એ કોઈ મોટા જંગ જીતવાથી ઓછું નથી, પરંતુ કન્ફર્મ ટિકિટ મળ્યા બાદ જ્યારે તમે ટ્રેનમાં ચઢો અને ખબર પડે કે તમારા ટિકિટ પર લખેલો સીટ નંબર આખા કોચમાં અસ્તિત્વમાં જ નથી, તો કેવી હાલત થાય? આવો જ એક વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો વારાણસી સિટીથી ગોરખપુર જતી ટ્રેનમાં સામે આવ્યો છે, જ્યાં ૫૨ બર્થ ધરાવતા કોચમાં એક યાત્રીને કન્ફર્મ બર્થ નંબર ૫૪ ફાળવી દેવામાં આવ્યો હતો.
રાત્રે પોણા અગિયાર વાગ્યે સીટ શોધતા યાત્રીનું માથું ચકરાયું
મળતી માહિતી મુજબ, ઈશાન બાજપેયી નામના એક યાત્રીએ ગત ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વારાણસી સિટીથી ગોરખપુર જંક્શનની મુસાફરી માટે ટ્રેન નંબર ૧૫૧૩૨ (BCY NPR એક્સપ્રેસ) માં ટિકિટ બુક કરાવી હતી. તેમની ટિકિટ કન્ફર્મ પણ થઈ ગઈ હતી અને ટિકિટ પર CNF/A1/54/SU સ્ટેટસ દર્શાવવામાં આવ્યું હતું, જેનો અર્થ એ થાય છે કે AC 2-ટાયરના A1 કોચમાં તેમને સાઈડ અપર (Side Upper) બર્થ નંબર ૫૪ ફાળવવામાં આવ્યો છે.
જોકે, રાત્રે આશરે ૧૦:૪૫ વાગ્યે જ્યારે ઈશાન કોચ A1 માં પહોંચ્યા અને સીટ શોધવા લાગ્યા, ત્યારે ૪૯, ૫૦, ૫૧ અને ૫૨ નંબર પછી કોચ પૂરો થઈ ગયો હતો. કોચમાં કુલ ૫૨ બર્થ જ હતા અને ૫૪ નંબરની કોઈ સીટ હતી જ નહીં.
વીડિયો વાયરલ થતાં રેલવેએ માફી માંગી, સોફ્ટવેર ગ્લિચ હોવાનું જણાવ્યું
રાત્રિ મુસાફરી દરમિયાન કન્ફર્મ ટિકિટ હોવા છતાં સીટ ન મળતા પરેશાન થયેલા ઈશાને હેલ્પલાઇન નંબર ૧૩૯ પર ફરિયાદ નોંધાવી હતી અને કોચની અંદરનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર રેલ મંત્રાલય તથા ‘રેલવે સેવા’ ને ટેગ કરીને પોસ્ટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ યુઝર્સે રેલવેની સિસ્ટમ પર રમૂજી મીમ્સ અને સવાલોનો મારો ચલાવ્યો હતો.
મામલો ગરમાતા ‘રેલવે સેવા’ એ તાત્કાલિક નોંધ લઈને યાત્રીને થયેલી અસુવિધા બદલ માફી માંગી હતી. બીજી તરફ, પૂર્વોત્તર રેલવે (NER) ના વારાણસી ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr DCM) એ સ્પષ્ટતા કરી હતી કે, સોફ્ટવેર ગ્લિચ (ટેકનિકલ ખામી) ને કારણે આ વિસંગતતા સર્જાઈ હતી, જેને સુધારી લેવામાં આવી છે અને અસરગ્રસ્ત યાત્રીઓને તે જ કોચમાં વૈકલ્પિક બર્થ ફાળવી દેવામાં આવ્યા હતા.
