Gujarat Plus
અન્ય

ઇસ્લામાબાદ પહોંચતા જ બદલાયા બાંગ્લાદેશી સ્પીકરના સૂર: ૧૯૭૧ના યુદ્ધમાં ભારતની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે ICJ જવાની આપી ચીમકી

ઇસ્લામાબાદ પહોંચતા જ બદલાયા બાંગ્લાદેશી સ્પીકરના સૂર: ૧૯૭૧ના યુદ્ધમાં ભારતની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે ICJ જવાની આપી ચીમકી
નવી દિલ્હી/ઇસ્લામાબાદ: પાકિસ્તાનના સત્તાવાર પ્રવાસે ગયેલા બાંગ્લાદેશની સંસદના સ્પીકર હાફિઝ ઉદ્દીન અહમદે ઇસ્લામાબાદની ધરતી પરથી ભારત વિરુદ્ધ અત્યંત વિવાદાસ્પદ અને ઝેરીલા નિવેદનો આપીને નવો રાજદ્વારી વિવાદ છેડ્યો છે. ઇસ્લામાબાદ સ્થિત સંસદ ભવનની મુલાકાત દરમિયાન તેમણે ૧૯૭૧ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામના ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરતા દાવો કર્યો હતો કે, ભારતે તે સમયે બંગાળીઓની મદદ કરવાને બદલે માત્ર પાકિસ્તાનને નબળું પાડવાનું કામ કર્યું હતું.

શેખ હસીનાના શાસનમાં બાંગ્લાદેશ ભારતનું ‘સંસ્થાન’ બન્યું હોવાનો આરોપ

પોતાના નિવેદનમાં હાફિઝ ઉદ્દીન અહમદે આરોપ લગાવ્યો હતો કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ૧૫ વર્ષના શાસન દરમિયાન બાંગ્લાદેશ એક રીતે ભારતનું ‘સંસ્થાન’ (Colony) બની ગયું હતું, જેના કારણે બાંગ્લાદેશના લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. નોંધનીય છે કે અહમદ પોતે પાકિસ્તાન મિલિટરી એકેડેમીમાંથી સ્નાતક થયા હતા અને ૧૯૭૧ના યુદ્ધમાં ભાગ લીધા બાદ બાંગ્લાદેશમાં બહાદુરી માટે સન્માનિત પણ થયા હતા.
બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સંસદીય વ્યવસ્થાની સરખામણી કરતા તેમણે જણાવ્યું હતું કે ૧૯૭૫માં બાંગ્લાદેશમાં એકપક્ષીય શાસન વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી અને દેશમાં વાસ્તવિક લોકશાહી આવી શકી ન હતી. જોકે, તેમણે ફેબ્રુઆરી ૨૦૨૬માં યોજાયેલી સામાન્ય ચૂંટણીને સ્વતંત્ર અને નિષ્પક્ષ ગણાવી હતી.

શેખ હસીના પરત ફરશે તો જેલમાં જશે, ICJ જવાની આપી ધમકી

ઑગસ્ટ ૨૦૨૪માં સત્તા ગુમાવ્યા બાદથી ભારતમાં આશ્રય લઈ રહેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અંગે બાંગ્લાદેશી સ્પીકરે આકરા પ્રહારો કર્યા હતા. હસીનાની ડિસેમ્બરમાં પરત ફરવાની અટકળોને ફગાવી દેતા અહમદે કહ્યું હતું કે, જો તેઓ બાંગ્લાદેશ પરત ફરશે તો તેમને સીધા જ જેલમાં મોકલી દેવામાં આવશે અને આગામી ૧૦ વર્ષ સુધી તેમના પરત ફરવાની કોઈ શક્યતા નથી.
તેમણે ચેતવણી આપી હતી કે જો ભારત શેખ હસીનાનું પ્રત્યાર્પણ નહીં કરે, તો બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ) ના દ્વાર ખખડાવી શકે છે. બીજી તરફ, ભારત પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે પ્રત્યાર્પણની વિનંતીની સક્ષમ અધિકારીઓ દ્વારા કાયદાકીય પ્રક્રિયા હેઠળ તપાસ કરવામાં આવી રહી છે.

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન અને અવામી લીગ પર પ્રહાર

હાફિઝ ઉદ્દીન અહમદે શેખ હસીનાની પાર્ટી અવામી લીગને ‘આતંકવાદી પાર્ટી’ ગણાવતા કહ્યું હતું કે બાંગ્લાદેશની જનતાએ સરમુખત્યારશાહીને નકારી કાઢી છે. આ ઉપરાંત, પાકિસ્તાનને ખુશ કરવા માટે તેમણે કાશ્મીર મુદ્દે પણ પાકિસ્તાનના વલણનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે કાશ્મીર વિવાદનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર (UN) ના પ્રસ્તાવો મુજબ આવવો જોઈએ. તેમણે આગામી સમયમાં ઢાકા અને ઇસ્લામાબાદ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરી હતી.

સંબંધિત પોસ્ટ્સ

ભારતીયોએ અમેરિકાના ગ્રીન કાર્ડ માટે 179 વર્ષ રાહ જોવી પડશે! 10 લાખથી વધુ લોકો લાઇનમાં, જાણો આટલા મોટા બેકલોગનું અસલી કારણ

praxpatel

La plataforma de un casino online: guía para jugadores exigentes

Maheriya Nirali

ગ્લેમરસ શૂર્પણખા, વાંકડિયા વાળવાળી સીતા… કેમ આટલા અલગ છે નવી ‘રામાયણ’ના પાત્રો?

praxpatel