નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વર્ષ ૨૦૨૬ માટે દેશની ડોમેસ્ટિક સિસ્ટમિકલી ઇમ્પોર્ટન્ટ બેંક્સ (D-SIBs) ની સત્તાવાર યાદી જાહેર કરી છે. આ યાદીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC બેંક અને ICICI બેંકને ફરીથી સામેલ કરવામાં આવી છે. આ ત્રણેય બેંકોને ‘Too Big To Fail’ એટલે કે એટલી મોટી અને મહત્ત્વપૂર્ણ બેંકો ગણવામાં આવે છે કે જો તે નિષ્ફળ જાય, તો તેની સીધી અસર સમગ્ર દેશની નાણાકીય વ્યવસ્થા અને અર્થતંત્ર પર પડી શકે છે. ૨૩ નવેમ્બરના રોજ જાહેર કરાયેલી આ યાદીમાં કોઈ નવી બેંક ઉમેરવામાં આવી નથી કે કોઈને બહાર પણ કરાઈ નથી.
કઈ બેંક કયા બકેટમાં અને કેટલી વધારાની મૂડી રાખવી પડશે?
RBI ના વર્ગીકરણ મુજબ, SBI ને બકેટ-4 માં રાખવામાં આવી છે, જેના હેઠળ તેણે પોતાના રિસ્ક વેઇટેડ એસેટ્સના ૦.૮૦ ટકા વધારાની કોમન ઇક્વિટી ટિયર-1 (CET1) મૂડી જાળવી રાખવી પડશે. તેવી જ રીતે, બકેટ-2 માં સામેલ HDFC બેંક માટે વધારાની મૂડીની જરૂરિયાત ૦.૪૦ ટકા અને બકેટ-1 માં રહેલી ICICI બેંક માટે ૦.૨૦ ટકા નક્કી કરવામાં આવી છે.
આ વધારાની મૂડીની જરૂરિયાત બેંકો માટે પહેલેથી લાગુ પડતા કેપિટલ કન્ઝર્વેશન બફર ઉપરાંત રહેશે. નોંધનીય છે કે RBI ના વર્ગીકરણમાં આ વર્ષે બકેટ-3 અને બકેટ-5 માં કોઈ બેંકને સ્થાન મળ્યું નથી.
શું છે D-SIB દરજ્જો અને તેની શરૂઆત ક્યારે થઈ?
D-SIB નો દરજ્જો એવી બેંકોને આપવામાં આવે છે, જેમનું કદ, નાણાકીય વ્યવસ્થા સાથેનું ઊંડું જોડાણ અને કામગીરીની જટિલતાને કારણે તેમનું મહત્ત્વ અત્યંત વધારે હોય છે. આવી બેંકોની આર્થિક સ્થિતિ જોખમાય તો સમગ્ર બેંકિંગ સિસ્ટમ ખોરવાઈ શકે છે, તેથી સુરક્ષાના ભાગરૂપે RBI તેમના પર વધારાની મૂડી જાળવવાનો નિયમ લાગુ કરે છે. RBI એ D-SIB માળખું ૨૨ જુલાઈ, ૨૦૧૪ના રોજ જાહેર કર્યું હતું અને ૨૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ તેમાં સુધારો કર્યો હતો. આ યાદીમાં SBI ને ૨૦૧૫માં, ICICI બેંકને ૨૦૧૬માં અને HDFC બેંકને ૨૦૧૭માં સામેલ કરવામાં આવી હતી.
