Gujarat Plus
સ્પોર્ટ્સ

સતત બીજી ટેસ્ટમાં અવગણના થતાં છલકાયા મોહમ્મદ સિરાજના આંસુ? ગંભીર-ગિલના નિર્ણય પર ગાવસ્કર અને મુરલી કાર્તિક ભડક્યા!

સતત બીજી ટેસ્ટમાં અવગણના થતાં છલકાયા મોહમ્મદ સિરાજના આંસુ? ગંભીર-ગિલના નિર્ણય પર ગાવસ્કર અને મુરલી કાર્તિક ભડક્યા!
ક્રાઇસ્ટચર્ચ: ન્યૂઝીલેન્ડ સામે ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ ભારતીય ટીમ મેનેજમેન્ટે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ સિરાજની અવગણના કરતા ક્રિકેટ જગતમાં ભારે વિવાદ છેડાયો છે. પ્રથમ ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન કરનાર પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર કરવામાં આવ્યો ત્યારે એવી અપેક્ષા હતી કે સિરાજની વાપસી થશે, પરંતુ કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીરે સિરાજને બદલે યુવા ફાસ્ટ બોલર ગુરનૂર બરારને ટેસ્ટ ડેબ્યૂની તક આપી છે.
આ નિર્ણય સાથે જ સિરાજના ૬ વર્ષના ટેસ્ટ કરિયરમાં પ્રથમ વખત એવું બન્યું છે કે તે કોઈ ટેસ્ટ શ્રેણીની એક પણ મેચ રમી શક્યો નથી. ટોસ બાદ મેદાન પર સનગ્લાસ પહેરીને ઉદાસ ચહેરે ફરતા સિરાજના દ્રશ્યો સામે આવતા સોશિયલ મીડિયા પર ચાહકો ભાવુક થઈ ગયા છે.

લાઈવ પ્રસારણ દરમિયાન મુરલી કાર્તિકે કહ્યું- ‘શું સિરાજ રડી રહ્યો છે?’

મેચના લાઈવ પ્રસારણ દરમિયાન જ્યારે સિરાજ સનગ્લાસ પહેરીને મેદાન પર જોવા મળ્યો, ત્યારે કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય સ્પિનર મુરલી કાર્તિકે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “શું તે રડી રહ્યો છે? કારણ કે તે ખૂબ જ ભાવુક વ્યક્તિ છે. અમુક ખેલાડીઓ ડ્રોપ થયા પછી પણ સામાન્ય રહે છે, પરંતુ સિરાજ જેવા ખેલાડીઓ મેદાન પર ઉતરીને પોતાનું સર્વસ્વ આપવા માંગે છે, ભલે તેમને પગમાં કે માથામાં દુખાવો કેમ ન હોય.”
કાર્તિકે ટીમ મેનેજમેન્ટની રણનીતિ પર સવાલ ઉઠાવતા વધુમાં ઉમેર્યું કે, “તેને વનડે શ્રેણીમાંથી પણ બહાર રખાયો હતો અને વેસ્ટ ઈન્ડિઝ સામે પણ પાછળથી તક મળી હતી. આ બાબત કોઈ પણ ખેલાડીને અંદરથી તોડી નાખે છે. જો તમને લાગતું હોય કે તેનું ફોર્મ સારું નથી, તો પછી તેને ટીમમાં પસંદ કરીને ન્યૂઝીલેન્ડ શા માટે લઈ ગયા?”

સુનીલ ગાવસ્કરે સિરાજ અને જાડેજાને બહાર રાખવા પર ઉઠાવ્યા સવાલ

મુરલી કાર્તિક ઉપરાંત પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર અને અજિંક્ય રહાણેએ પણ ટીમ પસંદગી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ગાવસ્કરે સિરાજની સાથે અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને સતત બીજી ટેસ્ટમાં બહાર બેસાડવાના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, “તમે સિરાજની વાત કરો છો, પણ જાડેજાનું શું? મારું માનવું છે કે ચોથા અને પાંચમા દિવસે તેની સ્પિન બોલિંગ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકી હોત, કારણ કે તે શાંત પિચ પર પણ બોલને ગ્રિપ અને ટર્ન કરાવવાની ક્ષમતા ધરાવે છે.”

પ્રથમ દિવસના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર ૨૪૬/૫

મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે ૮૫ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૪૬ રન બનાવી લીધા છે. એક સમયે ન્યૂઝીલેન્ડે ૧૧૦ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ કિવી બેટ્સમેનોએ બાજી સંભાળી લીધી હતી. ભારત તરફથી આકાશ દીપ, અંશુલ કંબોજ અને ડેબ્યૂટન્ટ ગુરનૂર બરારે વિકેટો ઝડપી હતી.

સંબંધિત પોસ્ટ્સ

ક્રિકેટ જગતમાં એક યુગનો અંત: ન્યુઝીલેન્ડની દિગ્ગજ સૂઝી બેટ્સ લેશે નિવૃત્તિ, ટી20 વર્લ્ડ કપ હશે છેલ્લો ટૂર્નામેન્ટ

praxpatel

 IND vs AFG: ગિલ અને ઈશાન કિશને રચ્યો નવો ઈતિહાસ, વનડે ક્રિકેટમાં પહેલીવાર બન્યો આ રેકોર્ડ

praxpatel

શ્રીલંકા સામે ટેસ્ટમાં 11 વર્ષથી અજેય છે ટીમ ઈન્ડિયા, છેલ્લે 2015માં મળી હતી હાર

praxpatel