સોશિયલ મીડિયાના યુગમાં સાયબર ઠગોએ લોકોને છેતરવા માટે એક અત્યંત ચાલાકીભરી નવી રીત શોધી કાઢી છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ અને સસ્પેન્સથી ભરેલી વાર્તાઓ જોવાની ટેવ ધરાવતા યુઝર્સને નિશાન બનાવીને માત્ર ₹૧ ના નામે આખું બેંક ખાતું ખાલી કરવામાં આવી રહ્યું છે. આ છેતરપિંડીની સૌથી ભયાનક બાબત એ છે કે પૈસા કપાવવા માટે કોઈપણ પ્રકારના વન-ટાઇમ પાસવર્ડ (OTP) ની જરૂર પડતી નથી અને યુઝરની જાણ બહાર દર મહિને ખાતામાંથી આપોઆપ પૈસા કપાઈ જાય છે.
કેવી રીતે ફસાવવામાં આવે છે ₹૧ ની લાલચમાં?
-
સસ્પેન્સ વાર્તાઓનો ઉપયોગ: યુઝરના ફીડ પર અચાનક કોઈ રોમાંચક, હોરર કે સસ્પેન્સથી ભરેલો વીડિયો આવે છે. જ્યારે વાર્તા તેના ક્લાઈમેક્સ પર પહોંચે છે, ત્યારે વીડિયો અધવચ્ચે જ અટકી જાય છે.
-
₹૧ નું સામાન્ય પેમેન્ટ: સ્ક્રીન પર મેસેજ ફ્લેશ થાય છે કે બાકીની વાર્તા કે ક્લાઈમેક્સ જોવા માટે માત્ર ₹૧ નું ઓનલાઈન પેમેન્ટ કરો.
-
બેદરકારીમાં થતી ભૂલ: લોકો વિચારે છે કે માત્ર ₹૧ ચૂકવવામાં શું નુકસાન થશે. પરિણામે, તેઓ વિચાર્યા વગર PhonePe, Google Pay કે Paytm જેવા UPI એપ્સ મારફતે ₹૧ ચૂકવી દે છે અને ઠગોની જાળમાં ફસાઈ જાય છે.
પડદા પાછળની રમત: OTP વગર પૈસા કેવી રીતે ગાયબ થાય છે?
સામાન્ય યુઝર માને છે કે તેણે ફક્ત ₹૧ નું સામાન્ય પેમેન્ટ કર્યું છે, પરંતુ ટેકનિકલ રીતે આ એક છૂપો ‘UPI ઓટો-ડેબિટ એગ્રીમેન્ટ’ (UPI Mandate) હોય છે:
-
અજાણતા ઓટો-પે મંજૂરી: ₹૧ ચૂકવતી વખતે યુઝર અજાણતા તે એપ્લિકેશન કે સર્વિસને દર મહિને અથવા વારંવાર પોતાની પરવાનગી વગર ખાતામાંથી પૈસા કાપવાનો કાયમી અધિકાર આપી બેસે છે.
-
કોઈપણ મેસેજ કે OTP વગર કપાત: એકવાર આ મેન્ડેડ એક્ટિવ થઈ જાય એટલે બેંક ખાતામાંથી ₹૫૦૦, ₹૧૦૦૦ કે ₹૩૦૦૦ જેવી મોટી રકમ આપોઆપ કપાવા લાગે છે. આના માટે ફરીથી પિન કે ઓટીપીની જરૂર પડતી નથી, જેથી યુઝરને જ્યારે જાણ થાય છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે.
આ નવી ઓનલાઇન છેતરપિંડીને કેવી રીતે ઓળખવી?
-
સાયબર ગુનેગારો જાણે છે કે મોટી રકમ માંગવાથી લોકો સતર્ક થઈ જશે, તેથી તેઓ લોકોનો વિશ્વાસ જીતવા ₹૧ કે ₹૫ જેવી સામાન્ય રકમની લાલચ આપે છે.
-
કોઈપણ અજાણી લિંક, સોશિયલ મીડિયા જાહેરાત કે થર્ડ-પાર્ટી એપ પર ₹૧ કે ₹૫ માં આખી ફિલ્મ, વેબ સિરીઝ કે સસ્પેન્સ વીડિયો જોવાની ઓફર દેખાય, તો તરત ચેતી જવું. દુનિયામાં કોઈ વ્યક્તિ તમને એક રૂપિયામાં પ્રીમિયમ કન્ટેન્ટ આપશે નહીં; આ માત્ર ખાતામાં ખાતર પાડવાની યુક્તિ છે.
સ્માર્ટફોનમાં UPI ઓટો-પે (Mandate) કેવી રીતે તપાસવું અને બંધ કરવું?
જો તમે ભૂલથી આવું કોઈ પેમેન્ટ કરી દીધું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. તમારા ફોનમાંથી જ તેને તરત બંધ કરી શકાય છે:
૧. પેમેન્ટ એપ ખોલો: તમારા મોબાઈલમાં PhonePe, Google Pay, Paytm કે જે પણ UPI એપ વાપરતા હોવ તે ઓપન કરો.
૨. સેટિંગ્સમાં જાઓ: હોમપેજ પર પ્રોફાઈલ આઈકન કે સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરો.
૩. મેન્ડેડ વિકલ્પ પસંદ કરો: સેટિંગ્સમાં આપેલા ‘UPI Mandates’, ‘AutoPay’ કે ‘Recurring Payments’ ના વિકલ્પ પર ટેપ કરો.
૪. યાદી તપાસો: ત્યાં એક્ટિવ મેન્ડેડ્સની યાદી તપાસો કે તમારા ખાતા સાથે કોઈ અજાણી એપ કે સર્વિસ જોડાયેલી છે કે નહીં.
૫. તરત કેન્સલ કરો: શંકાસ્પદ નામ દેખાય તો તરત જ ‘Cancel’ અથવા ‘Delete Mandate’ પર ક્લિક કરી તમારો UPI પિન નાખીને તેને કાયમ માટે બંધ કરી દો.
સુરક્ષાના મહત્વના નિયમો
-
કોઈપણ અજાણી સોશિયલ મીડિયા લિંક કે અનવેરિફાઇડ એપ પર ક્યારેય ઓનલાઇન પેમેન્ટ ન કરો.
-
મહિનામાં ઓછામાં ઓછું એક વખત તમારા પેમેન્ટ એપ્સમાં ઓટો-પે લિસ્ટ ચકાસતા રહો.
-
પરિવારના વડીલો અને બાળકોને આવા સસ્તા ઓફર્સના જોખમો વિશે માહિતગાર કરો જેથી તેમની મહેનતની કમાણી સુરક્ષિત રહી શકે.
