ગાંધીનગર: ગુજરાતમાં બોગસ ખેડૂત ખાતેદારો અને જમીન સંબંધિત તાજેતરના વિવાદો બાદ રાજ્ય સરકારે મહેસૂલ કાયદામાં મોટો ફેરફાર કરવાની દિશામાં કવાયત શરૂ કરી છે. રાજ્ય સરકાર હવે બિન-ખેડૂત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી શકે તે અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. વર્તમાન નિયમો મુજબ ગુજરાતમાં ગણોત ધારાની કલમ ૬૩ હેઠળ માત્ર ખેડૂત ખાતેદાર જ કૃષિની જમીન ખરીદી શકે છે, જેના કારણે અન્ય લોકો ખેતીની જમીન ખરીદી શકતા નથી.
બોગસ ખાતેદારોના વિવાદ અને જમીન બિન-ખેતી થતી અટકાવવાનો હેતુ
તાજેતરમાં વિધાનસભાના પૂર્વ સ્પીકર રમણલાલ વોરા ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત ખાતેદાર બન્યા હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ થઈ હતી. આ ઉપરાંત મહેસૂલ વિભાગે ખેડા જિલ્લાના માતરમાં પણ ૫૦૦ બોગસ ખેડૂત ખાતેદારો ઝડપી પાડ્યા હતા અને અન્ય ઉદ્યોગપતિઓ પણ બોગસ રીતે ખાતેદાર બની રહ્યા હોવાની વિગતો સામે આવી હતી.
બીજી તરફ, રાજ્યમાં મોટા પાયે ખેતીની જમીનો બિન-ખેતી (NA) માં પરિવર્તિત થઈ રહી છે, જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે કૃષિ ક્ષેત્રે રસ ધરાવતા લોકો દ્વારા રોકાણ થાય, ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય મળે અને ખેતીની જમીનો બિન-ખેતી થતી અટકે તેવા ઉદ્દેશ્યથી સરકાર નિયમો હળવા કરવા વિચારી રહી છે.
CLC કમિટીની ભલામણ અને અન્ય રાજ્યોની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, સિક્કિમ, મિઝોરમ, ઉત્તરાખંડ અને ગોવામાં માત્ર ખેડૂત જ ખેતીની જમીન ખરીદી શકે છે. જ્યારે પંજાબ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, કેરળ અને આસામ જેવા રાજ્યોમાં નિયમો હળવા છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ કલેક્ટર સહિત સ્થાનિક તંત્રની મંજૂરી મેળવીને ખેતીની જમીન ખરીદી શકે છે. ગુજરાતમાં લેન્ડ રિફોર્મ માટે રચાયેલી CLC કમિટીએ પણ સરકારને સુપ્રત કરેલા રિપોર્ટમાં કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે તેવી ભલામણ કરી છે.
