ગાંધીનગર: દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ રાજ્યનું પાટનગર ગાંધીનગર ફરી એકવાર આંદોલનોનું એપી સેન્ટર બની ગયું છે. સરકારના વચનો પૂરા ન થવાના આક્ષેપ સાથે વ્યાયામ શિક્ષકો, એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ અને ટાટ (TAT) ના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટી પડતાં સત્યાગ્રહ છાવણી છલકાઈ ગઈ હતી. શિક્ષણ અને આરોગ્ય જેવા મહત્ત્વના વિભાગો સામે એકસાથે ત્રણ મોટા આંદોલનો વેગવાન બનતા રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે.
ઓલિમ્પિકના સપના વચ્ચે વ્યાયામ શિક્ષકોની અછત, કાયમી ભરતીની માંગ
એક તરફ ગુજરાતમાં ઓલિમ્પિક યોજવાની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યની શાળાઓમાં જ વ્યાયામ શિક્ષકોની ભારે અછત પ્રવર્તી રહી છે. રાજ્યમાં ૫,૭૦૦ જગ્યાઓ સામે માત્ર ૧,૭૦૦ વ્યાયામ શિક્ષકો જ ફરજ બજાવી રહ્યા છે અને તે પણ કરાર આધારિત છે. ૧૯ મહિના પહેલાં સરકારે કાયમી ભરતીનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે રોષે ભરાયેલા વ્યાયામ શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને કાયમી ભરતીની માંગ સાથે મોરચો માંડ્યો છે.
એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ ‘માસ સીએલ’ પર, કાર્યક્રમના બહિષ્કારની ચીમકી
ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કરાર આધારિત કર્મચારીઓએ પણ પગાર વિસંગતતા, ઇન્ક્રીમેન્ટ અને અન્ય પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચઢાવી છે. આ કર્મચારીઓ ‘માસ સીએલ’ (સામૂહિક રજા) પર ઉતરી ગયા છે, જેના કારણે રાજ્યની આરોગ્ય સેવાઓ પર સીધી અસર પડી રહી છે. કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય, તો આગામી ‘વિશ્વ એઇડ્સ દિવસ’ના સરકારી કાર્યક્રમનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.
ટાટ (TAT) ના પરિણામ સામે ઉમેદવારોનો રોષ, પુનઃમૂલ્યાંકનની માંગ
શિક્ષણ વિભાગની કામગીરી સામે ટાટ (TAT) ના ઉમેદવારોએ પણ આંદોલન શરૂ કર્યું છે. પરીક્ષામાં કુલ ૪૭ હજાર પૈકી ૩૦ હજાર જેટલા ઉમેદવારો નાપાસ થતાં પરિણામ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પરિણામમાં ક્ષતિ હોવાની આશંકા સાથે પુનઃમૂલ્યાંકનની ઉગ્ર માંગ લઈને મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તહેવારો બાદ તરત જ શરૂ થયેલા આ ત્રિપાંખિયા આંદોલનને પગલે હવે સરકાર કયા પગલાં ભરીને મામલો થાળે પાડે છે તેના પર સૌની નજર ટકેલી છે.
