ભુજ (કચ્છ): અમદાવાદમાં પોતાના શાનદાર લાઇવ કોન્સર્ટ દ્વારા દર્શકોના દિલ જીતનારા વિશ્વવિખ્યાત પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ સોમવારે કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. ભુજ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન મારફતે તેમનું આગમન થતાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગાયકના કચ્છ પ્રવાસને લઈને સ્થાનિક યુવા પ્રશંસકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ધોરડોના સફેદ રણ અને રણોત્સવ ટેન્ટ સિટીની સુંદરતાથી થયા અભિભૂત
ભુજ એરપોર્ટથી દિલજીત દોસાંઝ સીધા જ વિશ્વપ્રસિદ્ધ ધોરડોના સફેદ રણ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પરંપરાગત કચ્છી શાલ ઓઢાડીને તેમનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. સફેદ રણના અદ્ભુત સૌંદર્ય, શીતળતા અને નયનરમ્ય નજારા વચ્ચે તેમણે સૌને ગુરુ નાનક જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્યારબાદ તેમણે રણોત્સવના ટેન્ટ સિટીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કચ્છી હસ્તકલા અને કલાકૃતિઓથી સજ્જ તંબુઓનું નિરીક્ષણ કર્યું હતું. ટેન્ટ સિટીમાં ઊભી કરાયેલી આધુનિક સુવિધાઓ અને વ્યવસ્થા નિહાળીને તેઓ પ્રભાવિત થયા હતા તથા કચ્છની મહેમાનગતિ અને પ્રવાસન સુવિધાઓની દિલ ખોલીને પ્રશંસા કરી હતી.
સ્મૃતિવન અને વૈશ્વિક ધરોહર ધોળાવીરાની લેશે મુલાકાત
સફેદ રણ બાદ દિલજીત દોસાંઝ ભુજ સ્થિત સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમ અને યુનેસ્કોની વૈશ્વિક ધરોહર એવા ધોળાવીરાની પણ મુલાકાત લેવાના છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકારની આ મુલાકાતથી દેશ-વિદેશના પર્યટકોને આકર્ષતા કચ્છના પ્રવાસન સ્થળો, કલા અને સંસ્કૃતિ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમની આ યાદગાર મુલાકાતથી કચ્છના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે તેવો વિશ્વાસ સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે.
