જામનગર: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની નવી આવક ફરી શરૂ કરવાની જાહેરાત થતાં જ ખેડૂતો અને વાહનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. યાર્ડમાં મગફળીનો જથ્થો ભરાઈ જતાં ગત ૨૦ તારીખથી નવી આવક પર રોક લગાવવામાં આવી હતી. જોકે, છ દિવસ બાદ ફરીથી આવક શરૂ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક લઈને યાર્ડ તરફ દોડી આવ્યા હતા, જેના પરિણામે યાર્ડની બહાર બાયપાસ સુધી અંદાજે ૪૦૦ જેટલાં મગફળી ભરેલાં વાહનોની ચારથી સાડા ચાર કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી.
ઓછા ઉત્પાદન વચ્ચે ઊંચા ભાવની આશાએ અન્ય જિલ્લાના ખેડૂતો પણ ઉમટ્યા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અપૂરતા વરસાદ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઓછું થયું છે. બીજી તરફ, તમિલનાડુથી આવેલા વેપારીઓ દ્વારા સારી ખરીદી કરવામાં આવી રહી હોવાથી મોરબી સહિત અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ ઊંચા ભાવ અને સારા વળતરની આશાએ પોતાની મગફળી વેચવા જામનગર માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.
કડકડતી ઠંડીમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા ખેડૂતોની હાલત કફોડી
વાહનોની લાંબી કતારો લાગતાં ખેડૂતોને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી. મોરબી તાલુકાના ઘુંટડા ગામથી આવેલા ખેડૂત શામજીભાઈ રંગપરિયાએ જણાવ્યું હતું કે, તેઓ સાંજે ચાર વાગ્યાથી લાઈનમાં ઊભા હતા અને રાત્રે સવા અગિયાર વાગ્યા સુધી પણ તેમનો વારો આવ્યો નહોતો. કડકડતી ઠંડીમાં આટલા લાંબા સમય સુધી વાહનોમાં બેસી રહેવું અત્યંત મુશ્કેલ બન્યું હતું.
તેવી જ રીતે, દડિયા ગામના ખેડૂત મનસુખ લગારિયા અને ચંગા ગામના ખેડૂત જયરાજસિંહ કંચવાએ ફરિયાદ કરી હતી કે તેઓ બપોરના બે-ત્રણ વાગ્યાથી લાઈનમાં ઊભા હોવા છતાં કલાકો બાદ પણ અડધી લાઈન સુધી પહોંચી શક્યા નહોતા. લાઈનમાં ઊભેલા ખેડૂતો માટે ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાકી પડી હતી. ખેડૂતોએ માંગ કરી છે કે યાર્ડમાં વ્યવસ્થિત આયોજન કરીને વાહનોની ઉતરાઈ અને ખરીદી નિયમિત ચાલુ રાખવામાં આવે, જેથી ખેડૂતોનો સમય અને ખર્ચ બંને બચી શકે.
