અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યા કરવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર નિષ્ફળ કરવામાં આવ્યું છે. અમેરિકી અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ સમયસર કડક કાર્યવાહી કરીને આ મોટી આતંકી સાજીશને નાકામ કરી દીધી છે. આ મામલામાં ઈરાન દ્વારા ટ્રેનિંગ પામેલા એક ઈરાકી નાગરિકની ધરપકડ કરવામાં આવી છે.
કાસિમ સુલેમાનીની મોતનો બદલો લેવા માંગતો હતો આતંકી
રિપોર્ટ્સ અનુસાર, પકડાયેલા શંકાસ્પદ આતંકીની ઓળખ ૩૨ વર્ષના મોહમ્મદ બાકર સાદ દાઉદ અલ-સાદી તરીકે થઈ છે.
-
બદલાની ભાવના: અલ-સાદી વર્ષ ૨૦૨૦ માં ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની મોતનો બદલો લેવા માંગતો હતો.
-
ટ્રમ્પ પરિવાર નિશાન પર: સુલેમાનીના મોતના બદલામાં તેણે ટ્રમ્પના પરિવારને, ખાસ કરીને તેમની પુત્રી ઇવાન્કા ટ્રમ્પને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું.
ફ્લોરિડાના ઘરની બ્લુપ્રિન્ટ મળી અને સોશિયલ મીડિયા પર ધમકી આપી
તપાસ એજન્સીઓને આરોપી અલ-સાદી પાસેથી ઇવાન્કા ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત આલીશાન ઘરનો સંપૂર્ણ નકશો (બ્લુપ્રિન્ટ) મળી આવ્યો છે. તે સોશિયલ મીડિયા પર સતત અમેરિકી સુરક્ષા એજન્સીઓને ખુલ્લી ધમકીઓ આપતો હતો. તેણે એક પોસ્ટમાં લખ્યું હતું કે, “તમારા મહેલો કે સિક્રેટ સર્વિસ તમને બચાવી શકશે નહીં.” પૂર્વ ઈરાકી રાજદ્વારીના જણાવ્યા મુજબ, અલ-સાદી અવારનવાર ઇવાન્કાના ઘરને સળગાવી દેવાની વાતો કરતો હતો.
તુર્કીમાં ધરપકડ બાદ અમેરિકા ડિપોર્ટ કરાયો
આ ખતરનાક શંકાસ્પદ આતંકીને ૧૫ મે ના રોજ તુર્કીમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક અમેરિકા (US) પ્રત્યાર્પિત (Deport) કરવામાં આવ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અલ-સાદી માત્ર ઇવાન્કાની હત્યાના કાવતરામાં જ નહીં, પરંતુ યુરોપ અને ઉત્તરી અમેરિકામાં થયેલા આશરે ૧૮ જેટલા અન્ય હુમલા અને આતંકી પ્રયાસોમાં પણ સામેલ રહ્યો છે. આમાં બોમ્બ બ્લાસ્ટ, ગોળીબાર અને યહૂદી સ્થળો તેમજ અમેરિકી રાજદ્વારી મથકોને નિશાન બનાવવાનો સમાવેશ થાય છે.
મોટું આતંકી નેટવર્ક ધરાવતો હતો આરોપી
તપાસમાં બહાર આવ્યું છે કે અલ-સાદી ઈરાન સમર્થિત સંગઠન ‘કતૈબ હિઝબુલ્લાહ’ માટે કામ કરતો હતો. તે પકડાઈ ન જાય તે માટે ઈરાકી સર્વિસ પાસપોર્ટ અને ટ્રાવેલ એજન્સીની આડ લેતો હતો, જેથી તે અલગ-અલગ દેશોમાં જઈને આતંકી સેલ સાથે સરળતાથી તાલમેલ મિલાવી શકે.
