પશ્ચિમ એશિયામાં બદલાતા ભૌગોલિક રાજકીય સમીકરણો વચ્ચે અમેરિકાના બે મહત્વપૂર્ણ સહયોગી દેશો—તુર્કી અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ગાઝા સંઘર્ષ, સીરિયામાં પ્રભાવ અને પૂર્વ ભૂમધ્ય સાગરમાં ઉર્જા સંસાધનોને લઈને સર્જાયેલા વિવાદો વચ્ચે જો બંને દેશો આમને-સામને આવી જાય તો કોનું પલડું ભારે રહેશે તે અંગે વૈશ્વિક સ્તરે મોટી ચર્ચા ચાલી રહી છે. ગ્લોબલ ફાયરપાવર (Global Firepower) ૨૦૨૬ ના ડેટા અનુસાર, વિશ્વમાં તુર્કી ૯મા સ્થાને (પાવર ઇન્ડેક્સ ૦.૧૯૭૫) અને ઇઝરાયલ ૧૫મા સ્થાને (પાવર ઇન્ડેક્સ ૦.૨૭૦૭) આવે છે.
જમીની સૈન્ય તાકાત (આર્મી) ની દ્રષ્ટિએ તુર્કી સંખ્યાબળમાં ઘણું આગળ છે. તુર્કી પાસે ૩.૫૫ લાખથી વધુ સક્રિય સૈનિકો અને ૨૨૦૦ થી વધુ મુખ્ય યુદ્ધ ટેન્કો (જેમાં લેપર્ડ ૨A૪ અને અલ્તાય સામેલ છે) ઉપલબ્ધ છે. બીજી તરફ, ઇઝરાયલ પાસે ૧.૭૦ લાખ સક્રિય સૈનિકો છે, પરંતુ તેની પાસે ૪.૬૫ લાખથી વધુ અતિ-પ્રશિક્ષિત રિઝર્વિસ્ટ દળો છે જે થોડા જ કલાકોમાં મોરચો સંભાળી શકે છે. ઇઝરાયલના ‘મર્કાવા Mk-4’ ટેન્ક વિશ્વના સૌથી સુરક્ષિત ટેન્ક ગણાય છે, જેમાં એન્ટી-ટેન્ક મિસાઈલોને તોડી પાડતી ‘ટ્રોફી એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમ’ લાગેલી છે.
હવાઈ ક્ષેત્રે (એરફોર્સ) ઇઝરાયલ ટેકનોલોજીકલ રીતે તુર્કી કરતાં ઘણું આગળ છે. ઇઝરાયલ પાસે પાંચમી પેઢીના અત્યાધુનિક F-35I આદિર સ્ટીલ્થ ફાઈટર જેટ્સ, F-15 અને F-16 વિમાનોનું મજબૂત કાફલો છે, જે ઇલેક્ટ્રોનિક વોરફેર અને પ્રિસિઝન એટેકમાં સક્ષમ છે. જ્યારે તુર્કી પાસે F-16 વિમાનો ઉપરાંત વૈશ્વિક સ્તરે જાણીતા બેરક્તાર TB-2 અને અકિન્સી જેવા અદ્યતન યુદ્ધ ડ્રોન્સનું મોટું નેટવર્ક છે.
દરિયાઈ મોરચે (નેવી) તુર્કીનો દબદબો સ્પષ્ટ દેખાય છે. તુર્કી પાસે ૨૦૦ થી વધુ યુદ્ધજહાજો અને ૧૨ સબમરીન છે. જ્યારે ઇઝરાયલની નૌકાદળ મુખ્યત્વે દરિયાકાંઠાની સુરક્ષા પર કેન્દ્રિત છે, પરંતુ ઇઝરાયલની ‘ડોલ્ફિન ક્લાસ’ સબમરીન પરમાણુ ક્રૂઝ મિસાઈલ છોડવાની ક્ષમતા ધરાવે છે. સૌથી મોટો તફાવત પરમાણુ ક્ષમતાનો છે; ઇઝરાયલ પાસે અંદાજે ૯૦ પરમાણુ હથિયારો હોવાનું મનાય છે, જ્યારે તુર્કી બિન-પરમાણુ દેશ છે.
નિષ્ણાતોના મતે, નાટોના સભ્ય તુર્કી અને અમેરિકાના પરમ મિત્ર ઇઝરાયલ વચ્ચે પૂર્ણ કક્ષાનું યુદ્ધ થવાની શક્યતા નહિવત છે, પરંતુ જો સીધો સંઘર્ષ થાય તો તુર્કી પરંપરાગત સૈન્ય સંખ્યાબળમાં અને ઇઝરાયલ અત્યાધુનિક ટેકનોલોજી તથા ગુપ્તચર ક્ષમતામાં સરસાઈ ધરાવે છે.
