દેશભરમાં ૨૦% ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલ લાગુ થયા બાદ સામાન્ય વાહનચાલકોમાં જોવા મળી રહેલા ભારે અસંતોષ અને ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર અને ઓઇલ ઇન્ડસ્ટ્રી એક નવો વ્યવહારુ રસ્તો કાઢવા તરફ આગળ વધી રહ્યા છે. E20 ઇંધણના કારણે વાહનોનું માઇલેજ ઘટવા તેમજ એન્જિનના રબર અને પ્લાસ્ટિકના પાર્ટ્સને નુકસાન થવાની ફરિયાદોને ધ્યાને રાખીને હવે પેટ્રોલ પંપો પર E20ની સાથે જૂનું E10 પેટ્રોલ પણ ઉપલબ્ધ કરાવવા અંગે ઉચ્ચ સ્તરે વિચારણા શરૂ કરવામાં આવી છે.
ભારતે નક્કી કરેલા સમયમર્યાદા કરતાં આશરે પાંચ વર્ષ પહેલાં જ પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અને દેશભરમાં E20ને મુખ્ય ઇંધણ તરીકે ફરજિયાત બનાવ્યું હતું. સરકારે સંસદમાં પણ સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે બિન-સુસંગત (Non-compliant) વાહનોમાં E20 વાપરવાથી માઇલેજમાં ૩ થી ૬ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. તેમ છતાં, ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા, વિદેશી હૂંડિયામણ બચાવવા અને ખેડૂતોને ફાયદો કરાવવાના હેતુથી સરકારે આ નીતિને પ્રોત્સાહન આપ્યું હતું.
જોકે, વાહનચાલકોમાં સૌથી મોટો રોષ એ વાતનો હતો કે પેટ્રોલ પંપો પર તેમને ઇંધણ પસંદ કરવાનો કોઈ વિકલ્પ મળતો નહોતો. ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના નિયમો મુજબ, એપ્રિલ ૨૦૨૩ પછી ઉત્પાદિત થયેલા BS6 ફેઝ-૨ વાહનો જ E20 ઇંધણ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. પરંતુ એપ્રિલ ૨૦૨૩ પહેલાં વેચાયેલા કરોડો ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માત્ર E10 કે સામાન્ય પેટ્રોલ માટે ડિઝાઇન કરાયેલા હતા. માત્ર ૩ થી ૪ વર્ષ જૂની સારી સ્થિતિ ધરાવતી ગાડીઓમાં એન્જિન બગડવાના જોખમે વાહનમાલિકોની ચિંતા વધારી દીધી હતી.
ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને પણ કરોડો જૂના વાહનોના હિતમાં E20ની સમાંતર E10 પેટ્રોલ ચાલુ રાખવાનું સૂચન કર્યું હતું. હાલમાં બંને પ્રકારના ઇંધણના સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશન માટેના લોજિસ્ટિક્સ તેમજ ટેકનિકલ પાસાઓ પર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે મંથન ચાલી રહ્યું છે, જેથી કરોડો વાહનચાલકોને ટૂંક સમયમાં મોટો રાહતજનક વિકલ્પ મળી શકે છે.
