પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને કટોકટી રાહત ફંડ (PM CARES Fund) ના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ઓડિટેડ હિસાબો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વાર્ષિક દાનમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ફંડની કુલ જમા રકમ ઓલ-ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ છે. જાહેર કરાયેલી વિગતો અનુસાર, ૨૦૨૪-૨૫ દરમિયાન ફંડને કુલ ₹૪૭૯.૯૬ કરોડનું વાર્ષિક યોગદાન પ્રાપ્ત થયું છે. આ રકમમાં ₹૪૭૯.૦૪ કરોડનું ઘરેલું દાન અને ₹૯૨ લાખ જેટલું વિદેશી દાન સામેલ છે. કોરોના કાળની સરખામણીએ દાનમાં મોટો ઘટાડો થયો હોવા છતાં ખર્ચ નહિવત રહેતાં બેલેન્સમાં નોંધપાત્ર વધારો થયો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ફંડને માત્ર દાનથી જ નહીં પરંતુ વ્યાજ અને રીફંડ દ્વારા પણ મોટી આવક થઈ છે. ફંડને ફિક્સ ડિપોઝિટ (FD) અને નિયમિત બેંક ખાતાઓમાંથી વ્યાજ પેટે ₹૪૭૫.૧૪ કરોડ મળ્યા છે. આ ઉપરાંત બેંકો દ્વારા કાપવામાં આવેલા TDS રિફંડ પેટે ₹૧૩.૪૯ લાખ અને વિવિધ અમલીકરણ એજન્સીઓ પાસેથી પરત આવેલી રકમ પેટે ₹૩૨૪.૬૫ કરોડ ફંડમાં જમા થયા છે.
બીજી તરફ, ફંડમાંથી થયેલો વાર્ષિક ખર્ચ છેલ્લા પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ખર્ચ માત્ર ₹૮૭.૮૫ લાખ રહ્યો છે, જેમાંથી ₹૮૭.૮૪ લાખ ‘PM Cares for Children’ યોજના પાછળ ખર્ચાયા છે અને ₹૪૫૧ બેંક તથા એસએમએસ ચાર્જ પેટે ચૂકવાયા છે. તેની સરખામણીએ અગાઉ ૨૦૨૩-૨૪માં ₹૧૫.૫૯ કરોડ, ૨૦૨૨-૨૩માં ₹૪૩૭.૮૭ કરોડ, ૨૦૨૧-૨૨માં ₹૩,૭૧૬.૨૯ કરોડ અને મહામારીના વર્ષ ૨૦૨૦-૨૧માં વિક્રમજનક ₹૩,૯૭૬.૧૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
ખર્ચમાં થયેલા આ ધરખમ ઘટાડાને કારણે નાણાકીય વર્ષના અંતે પીએમ કેર્સ ફંડની કુલ સિલક વધીને ₹૮,૪૫૨.૦૬ કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે, જે ૨૦૨૩-૨૪ના ₹૭,૧૭૩.૦૩ કરોડ કરતાં ૧૭.૮૩ ટકા વધુ છે. ઉલ્લેખનીય છે કે, ૨૭ માર્ચ ૨૦૨૦ના રોજ રજિસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮ હેઠળ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રચાયેલા આ ફંડના હોદ્દાની રૂએ અધ્યક્ષ વડાપ્રધાન છે, જ્યારે સંરક્ષણ મંત્રી, ગૃહ મંત્રી અને નાણા મંત્રી તેના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.
