જમ્મુ-કાશ્મીરમાં રમાઈ રહેલી એક સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મેચમાં બોલિંગ પૂરી કર્યાની થોડી જ ક્ષણોમાં એક ખેલાડી અચાનક મેદાન પર ઢળી પડ્યો હતો. સાથે રમતા ખેલાડીઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર મેદાનમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને મેચને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી.
ઓવર પૂરી કર્યા પછી મેદાન પર પડ્યો બોલર
આ દર્દનાક ઘટના ‘ભલેસા ચિનાબ પ્રીમિયર લીગ’ (BCPL) ના ત્રીજા સીઝન દરમિયાન થઈ હતી. મૃતક ખેલાડીની ઓળખ સુહૈલ તરીકે થઈ છે. તે બાદશાહ 11 ભલેસા ટીમ તરફથી વાયસીસી જિમખાના કિશ્તવાડ સામે મેચ રમી રહ્યો હતો. સુહૈલનો પરિવાર જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહ વિસ્તારનો રહેવાસી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સુહૈલે પોતાની બીજી ઓવર પૂરી કરી હતી. ઓવર પૂરી થયા પછી તે પોતાના બૂટની દોરી બાંધવા માટે નીચે નમ્યો હતો. જેવો તે ઊભો થયો, તેની તબિયત બગડતી દેખાઈ અને તે સંતુલન ગુમાવવા લાગ્યો. થોડી સેકન્ડો પછી તે ચાલવા ગયો, પણ અચાનક મેદાન પર જ પડી ગયો. આ જોઈને સાથી ખેલાડીઓ તરત જ તેની મદદ માટે દોડ્યા હતા.
હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો
મેદાન પર હાજર એક વાહનની મદદથી સુહૈલને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. જો કે, ત્યાં ડોક્ટરોએ તેને બચાવી શક્યા નહીં અને મૃત જાહેર કર્યો. હાલમાં તેના મોતના ચોક્કસ કારણની ખબર પડી નથી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું અસલી કારણ સામે આવશે. આવી જ એક ઘટના થોડા વર્ષો પહેલા મહારાષ્ટ્રના સંભાજી નગર જિલ્લામાં પણ એક લોકલ ક્રિકેટ મેચ દરમિયાન બની હતી.
મેચમાં શાનદાર પ્રદર્શન બાદ થયો અકસ્માત
આ દુર્ઘટના બની તે પહેલા સુહૈલ મેદાન પર શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. તેણે પોતાની બે ઓવરમાં માત્ર ૮ રન આપીને ૨ મહત્વની વિકેટો ઝડપી હતી.
તેની ટીમે પહેલા બેટિંગ કરતા ૧૨ ઓવરમાં ૧૪૭ રન બનાવ્યા હતા. જેમાં આદિલ મીરે ૩૮ બોલમાં ૭૫ રનની તોફાની ઇનિંગ રમી હતી. આ લક્ષ્યનો બચાવ કરતી વખતે સુહૈલ બોલિંગ કરવા ઉતર્યો હતો. આ મેચ ગંડોહ તહસીલના થલોરન સ્થિત સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. ઘટના બાદ ટુર્નામેન્ટના આયોજકોએ મેચને તરત જ રદ કરી દીધી હતી.
