અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ (White House) ખાતે આયોજિત વાર્ષિક પ્રેસ ડિનર દરમિયાન ફાયરિંગની ઘટના બનતા હડકંપ મચી ગયો છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જેડી વેન્સ સહિતના મહાનુભાવો હાજર હતા. સુરક્ષા દળોએ સમયસર કાર્યવાહી કરીને હુમલાખોરને ઝડપી પાડ્યો છે.
કોણ છે હુમલાખોર કોલ એલેન?
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, હુમલાખોરની ઓળખ 31 વર્ષીય કોલ એલેન (Cole Allen) તરીકે થઈ છે. તેની પ્રોફાઇલ વિશેની વિગતો નીચે મુજબ છે:
-
તે કેલિફોર્નિયાના ટોરેન્સનો રહેવાસી છે.
-
તે એક શિક્ષિત ટ્યુટર અને વીડિયો ગેમ ડેવલપર છે.
-
તેણે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે.
-
2017માં તેણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક પૂર્ણ કર્યું હતું.
-
તે ‘C2 Education’ નામની કંપનીમાં કામ કરતો હતો અને ‘ટીચર ઓફ ધ મન્થ’ પણ રહી ચૂક્યો છે.
શું છે હુમલાખોરનો ઈતિહાસ?
કોલ એલેન એક તેજસ્વી વિદ્યાર્થી રહ્યો હતો. તેણે વ્હીલચેર માટે ઇમરજન્સી બ્રેકનું પ્રોટોટાઇપ પણ બનાવ્યું હતું. રેકોર્ડ મુજબ, તેણે 2024માં ડેમોક્રેટિક પાર્ટીની એક કમિટીને 25 ડોલરનું દાન પણ આપ્યું હતું. તે ‘નેર્ફ ગન’ કોમ્બેટ ગ્રુપ સાથે પણ સંકળાયેલો હતો.
શું છે ઈરાન સાથેનું કનેક્શન?
સોશિયલ મીડિયા પર આ હુમલાને ઈરાન સાથે જોડવાની ઘણી અફવાઓ ઉડી હતી. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ અટકળો પર વિરામ મૂકતા કહ્યું કે, અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ ઘટનાનો મધ્ય પૂર્વના દેશો કે ઈરાન સાથે કોઈ સીધો સંબંધ હોય તેવું લાગતું નથી. અધિકારીઓ હજુ હુમલાના પાછળના હેતુની તપાસ કરી રહ્યા છે.
ટ્રમ્પે શેર કર્યો વીડિયો
ઘટના બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર હુમલાખોરનો વીડિયો અને તસવીર શેર કરી છે. જેમાં તે કાર્યક્રમ સ્થળ તરફ વધતો જોઈ શકાય છે. ટ્રમ્પે પોલીસ અને સુરક્ષા એજન્સીઓની બહાદુરીના વખાણ કર્યા છે અને કાર્યક્રમ સ્થળની સુરક્ષા વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે.
