Gujarat Plus
Breaking News
worldતાજા સમાચાર

પુતિને યુરોપની દુ:ખતી નસ દબાવી! આ એક નિવેદનથી ગેસની કિંમતમાં 50 ટકાનો ઉછાળો

Putin Gas Supply Threat: મિડિલ ઈસ્ટમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવે વૈશ્વિક ઊર્જા સંકટ ઊભું કર્યું છે, ત્યારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને એક એવો દાવ રમ્યો છે જેણે યુરોપિયન દેશોની ઊંઘ ઉડાવી દીધી છે. પુતિને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રશિયા ટૂંક સમયમાં યુરોપને મળતો ગેસ સપ્લાય સંપૂર્ણપણે બંધ કરી શકે છે અને આ કુદરતી સંસાધનને અન્ય ‘આશાસ્પદ’ વૈશ્વિક બજારો તરફ વાળી શકે છે.

પુતિનના આ નિવેદન માત્રથી જ યુરોપિયન બજારોમાં ભૂકંપ આવી ગયો છે અને ગેસની કિંમતોમાં 50%થી વધુનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને જ્યારે યુરોપિયન કમિશન 15 એપ્રિલ સુધીમાં રશિયન તેલ આયાત પર કાયમી પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે પુતિનનું આ વલણ અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.

યુરોપમાં ગેસ સપ્લાય રોકવા પુતિનનો મોટો સંકેત
પુતિને સરકારી ટીવી ચેનલ પર વાત કરતા જણાવ્યું હતું કે, હાલમાં રશિયા માટે નવી બજારો ખુલી રહી છે અને કદાચ અત્યારે જ યુરોપિયન માર્કેટમાં સપ્લાય રોકવી રશિયા માટે વધુ નફાકારક સાબિત થઈ શકે છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર એક વિચાર છે અને હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ તેમણે સરકારને આ દિશામાં કામ કરવાની સૂચના આપી દીધી છે.

આ આડકતરી ધમકી પાછળ રશિયાની ચોક્કસ વ્યૂહનીતિ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. એક તરફ પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધો લાદી રહ્યા છે, તો બીજી તરફ રશિયા હવે ચીન, ભારત અને અન્ય એશિયાઈ દેશો તરફ પોતાનો વેપાર વધારી રહ્યું છે. પુતિને એમ પણ ભારપૂર્વક કહ્યું કે રશિયા હંમેશા વિશ્વસનીય સપ્લાયર રહ્યું છે અને હંગેરી જેવા મિત્ર દેશો માટે તે આ અભિગમ જાળવી રાખશે.

નેધરલેન્ડ અને બ્રિટનમાં ગેસના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા
યુરોપની ચિંતાનું મુખ્ય કારણ એ છે કે મિડિલ ઈસ્ટમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટ લગભગ બંધ જેવી હાલતમાં છે, જ્યાંથી વિશ્વનો 20% એલએનજી(LNG) પસાર થાય છે. આ અસ્થિરતા વચ્ચે કતારે પણ પોતાનો સપ્લાય અટકાવ્યો હોવાથી યુરોપ માટે મુશ્કેલીઓ વધી છે. નેધરલેન્ડ અને બ્રિટન જેવા દેશોમાં ગેસના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. જો રશિયા આ નાજુક સમયે ગેસની પાઈપલાઈન કાપી નાખે, તો યુરોપ પાસે કોઈ તાત્કાલિક વિકલ્પ બચશે નહીં, જેની સીધી અસર ત્યાંની અર્થવ્યવસ્થા પર પડી શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

નવસારી માથે આકાશી આફત: કાવેરી નદી બે કાંઠે થતાં તડકેશ્વર મહાદેવ મંદિર ડૂબ્યું

praxpatel

Dwarka: ધર્મનગરી દ્વારકામાં હોળીનો ઉત્સાહ, પવિત્ર અગ્નિની પરિક્રમા કરી ભક્તો સુખ-સમૃદ્ધિની કામના કરશે

aminparmar

અમેરિકા સાથે કરાર થાય તે પહેલાં જ ઈરાને શરૂ કરી દીધી તેલની સપ્લાય, US નાકાબંધી તોડીને નીકળ્યા સુપરટેન્કર્સ

praxpatel