બાળકી નો ₹1.5 લાખમાં સોદો: સાબરકાંઠા પોલીસે 1 મહિનાની બાળકી ને ₹1.5 લાખમાં મુંબઈ વેચવા જતાં માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરી 5 આરોપીઓની ધરપકડ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર-હિંમતનગર હાઇવે પરથી બાળકી ને સુરક્ષિત બચાવી લેવામાં આવી છે, જ્યારે આ કાવતરામાં સામેલ અન્ય બે વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે.
બાળકીના વેચાણનું કાવતરું અને ધરપકડ:
-
સગા કાકા-કાકી જ નીકળ્યા સૂત્રધાર: પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પોપટ ગમાર અને તેની પત્ની બબીબેન ગમારે પૈસાની લાલચમાં પોતાના જ નાના ભાઈની એક મહિનાની દીકરીને વેચવાનું કાવતરું ઘડ્યું હતું.
-
મુંબઈની મહિલા સાથે સોદો: બાળકી ને મુંબઈ ખાતે રહેતી કવિતા નામની મહિલાને ₹1.5 લાખમાં વેચવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
-
ઝડપાયેલા 5 આરોપીઓ: દેવીલાલ ગમાર, પોપટ ગમાર, બબીબેન ગમાર, પ્રવીણ ડાંગી અને દિનેશ ડાંગીની પોલીસે કાર સાથે અટકાયત કરી છે.
AHTU ટીમની સમયસર કાર્યવાહી:
-
હાઇવે પર વોચ: એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) પેટ્રોલિંગમાં હતી ત્યારે ઇકો કારમાં બાળકીને વેચવા માટે લઈ જવાતી હોવાની બાતમી મળી હતી.
-
રંગેહાથ ઝડપાયા: પોલીસે તાત્કાલિક ઇકો કારને આંતરી પૂછપરછ કરતાં આરોપીઓએ મુંબઈમાં ₹1.5 લાખમાં ડીલ નક્કી થઈ હોવાની કબૂલાત કરી હતી.
મહિલા દલાલે અગાઉ 12 બાળકો વેચ્યા હોવાનો ખુલાસો:
ડેપ્યુટી એસપી સ્મિત ગોહિલના જણાવ્યા મુજબ, પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે ફરાર મહિલા દલાલે ભૂતકાળમાં વિવિધ શહેરોમાં આશરે 12 જેટલા બાળકોનું વેચાણ કર્યું છે. પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી ફરાર મહિલા સહિત અન્ય એક આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
