દિવાળીના તહેવારો ટાણે જ વડોદરા શહેર અને જિલ્લાના લાખો રેશનકાર્ડ ધારકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. તહેવારો નિમિત્તે સરકાર તરફથી વાજબી ભાવે અપાતા સિંગતેલના વિતરણમાં પુરવઠા વિભાગ દ્વારા ભારે લોલંલોલ ચલાવવામાં આવી રહ્યું હોવાની વિગતો બહાર આવી છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓની સંખ્યા સામે રેશનિંગ દુકાનો પર ૨૦ થી ૪૦ ટકા જેટલો ઓછો જથ્થો પહોંચાડવામાં આવતાં અનેક પરિવારો તેલ મેળવવાથી વંચિત રહી જાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
જથ્થાની ભારે અછત વચ્ચે દુકાનો પર ‘વહેલા તે પહેલા’ના ધોરણે વિતરણ શરૂ થતાં સસ્તા અનાજની દુકાન સંચાલકો અને ગ્રાહકો વચ્ચે દરરોજ ઉગ્ર માથાકૂટ અને ઘર્ષણના બનાવો બની રહ્યા છે.
નાણાં ૧૦૦% લીધા, પણ સિંગતેલ ૬૦ થી ૮૦% જ પહોંચાડાયું
દુકાનદારોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા ગંભીર લાપરવાહી દાખવવામાં આવી રહી છે:
-
પૂરેપૂરી રકમ વસૂલી: ઓક્ટોબર માસમાં દિવાળીના તહેવાર માટે વિતરણ કરવાના થતા તેલ પેટે સરકારી તંત્રએ દુકાનદારો પાસેથી ૧૦૦ ટકા જથ્થાના નાણાં એડવાન્સમાં સરકારી તિજોરીમાં જમા કરાવી લીધા હતા.
-
જથ્થામાં મોટી કાપ: નાણાં પૂરા લીધા છતાં વાજબી ભાવની દુકાનો પર માત્ર ૬૦ થી ૮૦ ટકા જથ્થો જ મોકલવામાં આવ્યો છે.
-
દુકાનદારોના નાણાં અટવાયા: દુકાનદારો આક્ષેપ કરી રહ્યા છે કે તહેવારના ટાણે જ સરકાર તરફથી તેમના ૨૦ ટકાથી વધુ રકમના નાણાં અટકાવી દેવાયા છે અને આ બાકી રહેલો જથ્થો કે રિફંડ ક્યારે મળશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
‘વહેલા તે પહેલા’નું વિતરણ: રહી ગયેલા પરિવારોમાં ભારે આક્રોશ
દુકાનો પર જથ્થો ઓછો આવતાં સંચાલકો મજબૂરીવશ ‘વહેલા તે પહેલા’ના ધોરણે તેલનું વિતરણ કરી રહ્યા છે:
-
દુકાન દીઠ ૧૦૦ ટકા કાર્ડધારકો સામે માંડ ૭૫ થી ૮૦ ટકા લાભાર્થીઓને જ તેલ મળી શકે તેમ છે.
-
બાકી રહી ગયેલા ગરીબ અને સામાન્ય પરિવારો તેલ ન મળતાં પોતાનો રોષ દુકાનદારો પર ઠાલવી રહ્યા છે.
-
જો કોઈ ગ્રાહક ઓનલાઇન ફરિયાદ નોંધાવે તો પુરવઠા વિભાગ દુકાનદારને જ જવાબદાર ઠેરવી ખુલાસો માંગે છે, જેના લીધે ‘ઊલટા ચોર કોટવાળને દંડે’ જેવી સ્થિતિ સર્જાઈ છે.
-
જોકે, જિલ્લા પુરવઠા અધિકારી સિદ્ધિ વર્માએ દાવો કર્યો છે કે કોઈ પણ દુકાનને ઓછો જથ્થો આપવામાં આવ્યો નથી અને જો ક્યાંય ઘટ હશે તો માંગણી મુજબ પૂરો જથ્થો પહોંચાડવામાં આવશે.
ભાવનું ગણિત અને સપ્લાયર કંપનીની વિગતો
-
કિંમત: પુરવઠા વિભાગ દ્વારા વાજબી ભાવની દુકાનદારોને ૧ લિટર સિંગતેલનું પાઉચ ₹૯૭ ના દરે આપવામાં આવે છે, જે દુકાનદારો રેશનકાર્ડ ધારકોને નિયત કરાયેલા ₹૧૦૦ ના રાહત દરે વેચે છે.
-
બ્રાન્ડ અને ઉત્પાદક: સમગ્ર ગુજરાતમાં રેશનિંગ દુકાનો મારફતે વિતરણ થતું આ સિંગતેલ ‘ગોકુલ એગ્રી ઇન્ટરનેશનલ લિમિટેડ’ બ્રાન્ડનું છે. પાટણ જિલ્લામાં સ્થિત આ કંપનીના ચેરમેન રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહ ચંદનસિંહ રાજપૂત છે, જ્યારે તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) છે.
