SC-ST Seat Rotation : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામત બેઠકોના રોટેશન (બદલાવ) મામલે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વનો અને સ્પષ્ટ આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ત્રણ જજોની ખંડપીઠે ચુકાદો આપતાં જણાવ્યું છે કે, કોઈ પણ મતદાર કે ઉમેદવાર પાસે ચોક્કસ મતક્ષેત્રને SC-ST માટે આરક્ષિત કરાવવાનો કોઈ બંધારણીય કે કાનૂની અધિકાર નથી. બેઠકોનું રોટેશન કઈ પદ્ધતિથી અને કઈ સમયસીમામાં થશે, તેનો નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર સરકાર (કાર્યપાલિકા) ના શિરે રહેલો છે.
‘રોટેશન નિયમ, ૨૦૨૫’ ને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ ચૂંટણીના ‘સીટોના અનામતની પદ્ધતિ અને રોટેશન નિયમ, ૨૦૨૫’ ના નિયમ ૧૨ ને પડકારતી અરજી સંપૂર્ણપણે ફગાવી દીધી છે. અરજદાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે નવા સુધારા મુજબ રોટેશન ચક્ર નવેસરથી શરૂ કરવાથી ઓછી SC-ST વસ્તી ધરાવતા વિસ્તારોને ક્યારેય અનામતનો લાભ મળશે નહીં. જોકે, સર્વોચ્ચ અદાલતે આ દલીલ નકારતા સ્પષ્ટ કર્યું હતું કે ૨૦૨૫ના સુધારા પછીની આગામી ચૂંટણીને રોટેશન માટે પ્રથમ ચૂંટણી ગણવામાં કશું જ ખોટું નથી.
અનામતની પદ્ધતિ અને સમયગાળો નક્કી કરવો સરકારના અધિકારક્ષેત્રમાં
સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ મહત્ત્વનું અવલોકન કરતાં જણાવ્યું હતું કે, બંધારણ અને નિયમો હેઠળ સ્થાનિક સંસ્થાની કુલ વસ્તીમાં SC અને ST ના પ્રમાણના આધારે બેઠકોનું અનામત નક્કી થાય છે. કાયદો આરક્ષિત બેઠકોના રોટેશનની જોગવાઈ જરૂર કરે છે, પરંતુ તેની પદ્ધતિ અને સમયગાળો નક્કી કરવો એ સંપૂર્ણપણે સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. સુપ્રીમ કોર્ટે ઉમેર્યું હતું કે નિયમ ૧૨ અનામત કે રોટેશનના મૂળ બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ નથી.
