Rajkot : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ નજીક આવેલા જંગવડ ગામમાં એક અત્યંત કંપારી છૂટી જાય તેવી બેવડી હત્યા (Double Murder) ની ઘટના સામે આવી છે. ગામમાં રહેતા પ્રકાશભાઈ ઘોડકિયા અને તેમનાં પત્ની વિલાસબેનની તેમના જ સગા મોટા બાપુના દીકરા અશોક ઘોડકિયા દ્વારા નિર્મમ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ફફડાટ મચી ગયો છે.
બોથડ પદાર્થના ઘા ઝીંકી દંપતીને મોતને ઘાટ ઉતાર્યું
મળતી વિગતો અનુસાર, જંગવડ ગામે રહેતા પ્રકાશભાઈ ઘોડકિયા અને તેમનાં પત્ની વિલાસબેન પર તેમના પિતરાઈ ભાઈ અશોક ઘોડકિયાએ કોઈ બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી અશોકે દંપતી પર એક બાદ એક ઘા ઝીંકતા બંને ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમના કરુણ મોત નીપજ્યા હતા. એકસાથે પતિ-પત્નીની હત્યા થતા નાના એવા જંગવડ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નશાની હાલતમાં હત્યા કર્યાનો આક્ષેપ, અગાઉ કોઈ અદાવત નહોતી
આ ઘટના અંગે મૃતક પ્રકાશભાઈના ભાઈએ આરોપી અશોક પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, અશોક દારૂ અને ગાંજા જેવા કેફી દ્રવ્યોના નશાનો બંધાણી છે. ઘટના સમયે પણ તે નશાની હાલતમાં ચૂર હતો અને નશાના આવેશમાં આવીને જ તેણે આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો છે. પરિવારજનોએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે બંને પરિવારો વચ્ચે અગાઉ કોઈપણ પ્રકારનું મનદુઃખ, ઝઘડો કે બોલાચાલી થઈ નહોતી, છતાં કોઈ નક્કર કારણ વગર માત્ર નશાની હાલતમાં અશોકે પોતાના જ ભાઈ અને ભાભીની હત્યા કરી નાખી છે.
આટકોટ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા
ડબલ મર્ડરની જાણ થતાં જ આટકોટ પોલીસનો કાફલો તાત્કાલિક જંગવડ ગામે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન નોંધી, આરોપી અશોક ઘોડકિયા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
