Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

પતિના અફેરથી નારાજ પત્ની બની કાતિલ: એર હોસ્ટેસની હત્યા માટે શૂટરોને આપ્યા ₹૧૩ લાખ અને કારનું લાઈવ GPS લોકેશન, ૪ ઝડપાયા

Air Hostess Murder Case

Air Hostess Murder Case : મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં દિવાળીની રજાઓમાં પોતાના પિયર આવેલી પુણેની ૩૫ વર્ષીય એર હોસ્ટેસ વર્ષા તુરકરની ઘાતકી હત્યાનો ભેદ ગોંદિયા પોલીસે માત્ર ચાર દિવસમાં ઉકેલી નાખ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ હત્યા લૂંટ કે જૂની અદાવત નહીં, પરંતુ ‘પતિ-પત્ની અને વો’ ના પ્રેમત્રિકોણનું પરિણામ હતી. પતિના પ્રેમસંબંધથી નારાજ પત્ની મોના અગ્રવાલે જ ₹૧૩ લાખની સોપારી આપીને એર હોસ્ટેસની હત્યા કરાવી હતી.

કાર ટ્રેકિંગ એપના લાઈવ GPS લોકેશનનો ઉપયોગ કરી હત્યારાઓ જંગલ સુધી પહોંચ્યા

ગોંદિયાના એસપી ગોરખ ભામરેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પુણેના ધાનોરીની રહેવાસી વર્ષા તુરકર દિવાળી મનાવવા બાલાઘાટ જિલ્લાના ખૈરલાંજી સ્થિત પોતાના ગામ કિન્હી આવી હતી. ગત ૧૪ નવેમ્બરની સાંજે તે પોતાના ગોંદિયા સ્થિત મિત્ર નિતેશ અગ્રવાલ સાથે કારમાં પરત ફરી રહી હતી, ત્યારે દવનીવાડા પોલીસ મથકની હદમાં બોંડરાની ગામ નજીક જંગલ વિસ્તારમાં બાઈક પર આવેલા ત્રણ હુમલાખોરોએ વર્ષા પર છરી વડે ઉપરાછાપરી ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે નિતેશ અગ્રવાલ અને વર્ષા વચ્ચે પ્રેમસંબંધ હોવાથી નિતેશની પત્ની મોના અગ્રવાલ (૪૧) ભારે નારાજ હતી. નિતેશ જે કારમાં મુસાફરી કરી રહ્યો હતો તે મોનાના નામે રજિસ્ટર્ડ હતી. મોનાએ પોતાના મોબાઈલમાં કાર ટ્રેક કરતી ‘ટોયોટા આઈ-કનેક્ટ’ (i-Connect) એપ એક્ટિવ કરાવી હતી અને તેના આઈડી-પાસવર્ડ હત્યારાઓને આપી દીધા હતા, જેની મદદથી શૂટરો લાઈવ GPS લોકેશન ટ્રેક કરીને જંગલ સુધી પહોંચી ગયા હતા.

₹૧૩ લાખની સોપારી અને ૨૦૦ CCTV ફૂટેજથી ખુલ્યું સમગ્ર ષડયંત્ર

  • સોપારીનું નેટવર્ક: મોના અગ્રવાલે પોતાના પાડોશી કુણાલ કુંભલકર (૩૧) મારફતે ગોંદિયાના કુખ્યાત ગુનેગાર શાહરૂખ પઠાણ (૩૩) નો સંપર્ક કર્યો હતો અને હત્યા માટે ₹૧૩ લાખની સોપારી આપી હતી. શાહરૂખે આ કામ માટે ઈમરાન શેખ (૨૬), નલેન શેખ (૨૪) અને ક્રિશ રાઉત (૧૯) ને તૈયાર કર્યા હતા.

  • ધરપકડ અને તપાસ: LCB ની ૬ વિશેષ ટીમોએ તિરોડા, ખૈરલાંજી, વારાસિવની અને બાલાઘાટથી ગોંદિયા સુધીના આશરે ૨૦૦ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં કારનો પીછો કરતી શંકાસ્પદ બાઈક દેખાતા પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસે માસ્ટરમાઈન્ડ મોના અગ્રવાલ, કુણાલ કુંભલકર, શાહરૂખ પઠાણ અને શૂટર ઈમરાન શેખની ધરપકડ કરી છે, જ્યારે ફરાર બે શૂટરોની શોધખોળ ચાલુ છે. આ ઉપરાંત, પોલીસ નિતેશ અગ્રવાલ અને મૃતકાના પતિ સૈયદની પણ પૂછપરછ કરી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

મગરને ખભા પર ઉપાડીને પોલીસ સ્ટેશન પહોંચ્યો ખેડૂત, દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ગઈ!

praxpatel

અમદાવાદમાં ભૂમાફિયા ઓની નવી ચાલ: નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું મોટું કૌભાંડ ખુલ્લું પડ્યું

praxpatel

AI-સંચાલિત હેકિંગથી વિશ્વભરની વેબસાઇટ્સ જોખમમાં: PHP માં મોટી સુરક્ષા ખામી સામે આવતાં NSAની ચેતવણી, જાણો યુઝર્સે શું કરવું

praxpatel