પંચમહાલ જિલ્લામાં પ્રેમ સંબંધની શંકા રાખીને એક ૨૦ વર્ષીય આશાસ્પદ યુવકનું અપહરણ કરી તેને બેરહેમીપૂર્વક માર મારી મોતને ઘાટ ઉતારી દેવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. ઢોરમાર મારવાના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં મામલો હત્યામાં પલટાયો છે. આ ગંભીર બનાવ અંગે શેહરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સાત પૈકી છ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપીને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર ઘટનાની વિગતો મુજબ, મૃતક યુવકની ઓળખ ૨૦ વર્ષીય મહેશ રાઠોડ તરીકે થઈ છે. મહેશ પોતાના ઘરેથી મંડપના કામે જવા માટે નીકળ્યો હતો, તે દરમિયાન રસ્તામાં આરોપીઓએ તેને આંતરીને રોક્યો હતો અને અમારી બહેન-દીકરી સાથે કેમ વાત કરે છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ તેનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ આરોપીઓએ મહેશને લાકડીઓ અને લાતો વડે ઢોરમાર માર્યો હતો, જેના કારણે તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં મહેશને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ગોધરા અને ત્યારબાદ વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત અત્યંત નાજુક જણાતા અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ મૃતક મહેશના ભાઈ દિનેશ રાઠોડે શેહરા પોલીસ સ્ટેશનમાં સાત શખ્સો વિરુદ્ધ અપહરણ અને હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક આરોપીઓના પરિવારની દીકરી સાથે વાતચીત કરતો હોવાની શંકા અને નારાજગી રાખીને આ હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ સાતમાંથી છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે આ સમગ્ર હત્યાકાંડનો મુખ્ય આરોપી અલ્પેશ પટેલ હાલ પોલીસ પકડથી દૂર અને ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.
