સુરતથી મા અંબાના દર્શનની શ્રદ્ધા અને આશા સાથે અંબાજી જવા નીકળેલા યાત્રાળુઓની મુસાફરી આણંદ નજીક એક ગંભીર માર્ગ અકસ્માતમાં ફેરવાઈ ગઈ હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકની જોરદાર ટક્કર વાગવાથી યાત્રાળુઓ ભરેલી ખાનગી લક્ઝરી બસ આગળ દોડી રહેલા ટેન્કરના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા આ ત્રેવડા અકસ્માતને કારણે હાઈવે પર ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર ૧૦ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતથી યાત્રાળુઓને લઈને એક ખાનગી લક્ઝરી બસ અંબાજી દર્શન માટે રવાના થઈ હતી. આ બસ જ્યારે વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી ભારે મશીનરી ભરીને પૂરઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવનાર ટ્રક લક્ઝરી બસના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે લક્ઝરી બસ આગળ જઈ રહેલા ટેન્કરની પાછળ ઘૂસી ગઈ હતી, જેના પરિણામે બસના આગળ અને પાછળના બંને ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું.
વહેલી સવારે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે બસમાં ઊંઘી રહેલા મુસાફરોમાં ગભરાટ અને ચીસાચીસ ફેલાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ, આણંદ ફાયર બ્રિગેડનો કાફલો અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવ ટુકડીએ બસમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા ૧૦ મુસાફરોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે કરમસદની મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. દુર્ઘટનાને કારણે એક્સપ્રેસ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો, પરંતુ પોલીસે ક્રેનની મદદથી ત્રણેય અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
