ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર અને સુરત ખાતે વસતા લેઉઆ પટેલ સમાજના રાજકીય પ્રતિનિધિત્વ અંગે નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. અહેવાલો અને રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, ભાજપ દ્વારા લેઉઆ પટેલ સમાજને સત્તા અને રાજકારણમાં વ્યવસ્થિત રીતે ‘કટ ટુ સાઈઝ’ કરવાની પેરવી ચાલી રહી હોવાના આક્ષેપો સાથે પાટીદાર યુવાનો અને સામાજિક બેઠકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ જે લોકસભા અને વિધાનસભા બેઠકો પર લેઉઆ પાટીદાર નેતાઓ મજબૂત પકડ ધરાવતા હતા, ત્યાંથી સમાજના આગેવાનોને ક્રમશઃ સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાના આંકડાકીય પુરાવાઓ સાથે સુરત અને સૌરાષ્ટ્રની સંસ્થાઓ તથા યુવાનો સક્રિય થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સુરત અને સૌરાષ્ટ્રના યુવાનો આક્રમક મૂડમાં, સંસ્થાઓના મૌન સામે સવાલ
આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રની વિવિધ બેઠકો પર લેઉઆ પટેલ સમાજના પ્રતિનિધિત્વની ઘટેલી સંખ્યાને લઈને સુરત અને સૌરાષ્ટ્રની યુવા પેઢી (Gen-Z) આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. યુવાનો દ્વારા એવા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે શું ભાજપમાં હાઈકમાન્ડ સ્તરે લેઉઆ પટેલોનું રાજકીય કદ નાનું કરવાનું આયોજન ચાલી રહ્યું છે? આ ઉપરાંત, હીરા ઉદ્યોગ સાથે જોડાયેલી મોટી સામાજિક સંસ્થાઓના આગેવાનો અંગત સ્વાર્થ કે મજબૂરીવશ આ મુદ્દે મૌન સેવી રહ્યા હોવાના આક્ષેપો પણ યુવાનો કરી રહ્યા છે. અહેવાલ મુજબ, જો આગામી દિવસોમાં આ રાજકીય અસંતુલન દૂર નહીં થાય તો ચૂંટણીઓમાં મોટો રાજકીય ભડકો થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
સૌરાષ્ટ્રની બેઠકો પર લેઉઆ પટેલોના પ્રતિનિધિત્વનું ભૂતકાળ અને વર્તમાનનું ચિત્ર
અહેવાલમાં રજૂ કરાયેલા આંકડાકીય વિશ્લેષણ મુજબ, સૌરાષ્ટ્રની મુખ્ય બેઠકો પર લેઉઆ પટેલ સમાજના પ્રતિનિધિત્વમાં નીચે મુજબનો ફેરફાર જોવા મળ્યો છે:
-
જૂનાગઢ લોકસભા અને વિધાનસભા: જૂનાગઢ લોકસભા બેઠક પર ભૂતકાળમાં નાનજીભાઈ વેકરિયા, ગોવિંદભાઈ શેખડા અને ભાવનાબેન ચીખલીયા જેવા લેઉઆ પાટીદાર દિગ્ગજો સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે જૂનાગઢ વિધાનસભામાં ગોરધનભાઈ વસોયા ધારાસભ્ય રહ્યા હતા. આ ઉપરાંત, મેંદરડા-માણિયા બેઠક (જ્યાં અગાઉ એલ.ટી. રાજાણી ધારાસભ્ય હતા) પર પણ હવે સમાજનું પ્રતિનિધિત્વ ઘટ્યું હોવાનો વસવસો વ્યક્ત કરાયો છે.
-
રાજકોટ લોકસભા અને વિધાનસભા: રાજકોટ લોકસભા બેઠક પર ભૂતકાળમાં રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી, શિવલાલ વેકરિયા અને વલ્લભભાઈ કથીરિયા જેવા લેઉઆ પાટીદાર નેતાઓ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, જ્યારે હાલમાં આ બેઠક પર કડવા પાટીદાર નેતા સાંસદ છે. વિધાનસભામાં પણ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની ટિકિટ કાપીને અન્યને તક આપવામાં આવી હતી.
-
જામનગર લોકસભા: જામનગર બેઠક પરથી ભૂતકાળમાં ચંદ્રેશ પટેલ જેવા આગેવાનોનું પ્રતિનિધિત્વ હતું, જે વર્તમાન સમયમાં નહિવત બન્યું હોવાનું જણાવાયું છે.
-
ગોંડલ વિધાનસભા: સમગ્ર ગુજરાતમાં વિસાવદર પછી લેઉવા પટેલોની સૌથી વધુ વસ્તી ધરાવતી ગોંડલ બેઠક પર અગાઉ ચંદુભાઈ વઘાસિયા જેવા ધારાસભ્યો સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા, પરંતુ વર્તમાન રાજકીય સમીકરણોમાં આ બેઠક પર પણ સમાજની પકડ નબળી પડી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
