Gujarat Plus
ગુજરાત

કચ્છના ભુજ-ખાવડા હાઈવે પર કાળમુખો અકસ્માત: આર્મી જવાન સહિત ૩ પરિવારના ૭ સભ્યોના મોત, PM મોદીએ ₹૨ લાખની સહાય જાહેર કરી

kutch

kutch : ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર શનિવારે (૨૧ નવેમ્બર) મોડી રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વેકરિયાના રણ વિસ્તાર નજીક પૂરપાટ ઝડપે આવતા માલવાહક ટ્રેલર અને કાર વચ્ચે થયેલી સામ-સામેની પ્રચંડ ટક્કરમાં ૩ બાળક, ૨ મહિલા અને ૨ પુરુષ સહિત કુલ ૭ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે કારના બે ટુકડા થઈને કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડું દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને ₹૨ લાખની સહાય જાહેર કરી છે.

સફેદ રણની મુલાકાત લઈ પરત ફરતી વખતે નડ્યો અકસ્માત

મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે આશરે ૯:૩૦ વાગ્યાના સુમારે ઉત્તરાખંડ પાસિંગની કાર સફેદ રણની મુલાકાત લઈને ખાવડા તરફથી ભુજ પરત ફરી રહી હતી. તે જ સમયે ભુજથી ખાવડા તરફ જઈ રહેલા ટ્રેલર સાથે કાર ધડાકાભેર ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર સાતેય વ્યક્તિઓને બચવાની કોઈ તક મળી ન હતી અને તમામે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

મૃતકો મૂળ ઉત્તરાખંડના અને આર્મી જવાનના સંબંધી

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તમામ મૃતકો મૂળ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના વતની હતા અને ભુજ ખાતે ફરજ બજાવતા આર્મી જવાનના પરિવારજનો તથા સંબંધીઓ હતા, જેઓ કચ્છ ફરવા આવ્યા હતા. મૃતકોમાં ત્રણ પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે:

પરિવાર મૃતકોના નામ અને વિગતો
પ્રથમ પરિવાર સૌરવસિંહ જસપાલસિંહ નેગી (ઉં. ૩૨), તેમના પત્ની સવિતા અને તેમની માત્ર ૩ માસની પુત્રી સિવિકા.
બીજો પરિવાર રાજેશસિંહ રાવત અને તેમની ૭ વર્ષીય પુત્રી રક્ષિતા.
ત્રીજો પરિવાર રિંકી નીતિન ગુંસાઈ અને તેમની પુત્રી વામિકા.

સેનાના અધિકારીઓ હોસ્પિટલ દોડ્યા, એક મહિનામાં બીજી મોટી દુર્ઘટના

અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ધોરડો પોલીસ સ્ટેશનનો કાફલો અને ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. કારના કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ મોડી રાત્રે હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ભુજ-ખાવડા હાઈવે પર ભારે વાહનોની સતત અવરજવરને કારણે અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ગત મહિને ૯ ઓક્ટોબરના રોજ પણ ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક રોડ પર ટ્રક અને બોલેરો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં ૭ શ્રમિકોના મોત થયા હતા. માત્ર એક મહિનામાં જ આ રૂટ પર વધુ ૭ નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા સમગ્ર કચ્છ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માતે મોત થાય તો રેલવેએ વળતર ચૂકવવું પડે: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

praxpatel

ગુજરાતમાં રસ્તા પર ચાલવું બન્યું જીવલેણ: ૩ વર્ષમાં ૪,૯૨૪ રાહદારીઓએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા!

praxpatel

અમદાવાદના નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક: મોપેડ સવાર દંપતીને જોરદાર ટક્કર મારી, કારમાંથી દારૂની બોટલો મળતાં સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો

praxpatel