Accident: ગુજરાતમાં આડેધડ ડ્રાઇવિંગ, રોંગ સાઈડ વાહન હંકારવા અને ઓવરટેકની ઘેલછાને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. રસ્તાઓ પર બેફામ દોડતા વાહનોના લીધે હવે સામાન્ય રાહદારીઓ માટે પગપાળા ચાલવું પણ અત્યંત જોખમી બની ગયું છે. એક સત્તાવાર અહેવાલ મુજબ, રાજ્યમાં છેલ્લા માત્ર ત્રણ વર્ષના ગાળામાં જ ૪,૯૨૪ નિર્દોષ રાહદારીઓએ માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે.
રાજ્યમાં દર વર્ષે સરેરાશ ૧૫,૦૦૦ થી વધુ નાના-મોટા માર્ગ અકસ્માતો સર્જાય છે, જેમાંથી વાર્ષિક સરેરાશ ૧,૫૦૦ જેટલા રાહદારીઓ કાળનો કોળિયો બની જાય છે.
અકસ્માતમાં યુવાધનને સૌથી મોટો ફટકો
અહેવાલમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં મોટો હિસ્સો યુવાનોનો છે:
-
૨૫ થી ૩૦ વર્ષના યુવાનો વધુ ભોગ: અકસ્માતમાં મૃત્યુ પામનારા રાહદારીઓમાં ૨૫ થી ૩૦ વર્ષની વયજૂથના યુવાનોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે.
-
આધેડ અને પ્રૌઢ વર્ગ: આ ઉપરાંત ૩૫ થી ૬૦ વર્ષની વયના લોકો પણ મોટા પ્રમાણમાં ભોગ બન્યા છે. પરિવારના મુખ્ય કમાતા સભ્યો જ અકસ્માતમાં અકાળે મૃત્યુ પામતાં અનેક પરિવારો આર્થિક અને સામાજિક રીતે નિરાધાર બની ગયા છે.
આર્થિક બોજ અને વીમા ક્લેઇમની સ્થિતિ
અકસ્માતોની ગંભીરતા માત્ર જાનહાનિ પૂરતી સીમિત નથી, પરંતુ પરિવારો પર મોટો આર્થિક બોજ પણ લાવી રહી છે:
-
ઈમરજન્સી સારવાર ખર્ચ: અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલોમાં તાકીદની સારવાર આપવા પાછળ સરકારી તંત્ર અને પરિવારો દ્વારા આશરે ₹૪.૬ કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે.
-
૪,૩૦૮ વીમા ક્લેઇમ: અકસ્માતોમાં થયેલી જાનમાલની નુકસાનીનું વળતર મેળવવા માટે છેલ્લા પાંચ વર્ષમાં અકસ્માત વીમા સંબંધિત ૪,૩૦૮ જેટલા ક્લેઇમ રજૂ થયા છે.
નેશનલ હાઇવે પર ૧૮૨ બ્લેક સ્પોટ ‘ડેથ ટ્રેપ’ સાબિત થયા
ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર હાલમાં કુલ ૧૮૨ સ્થળોને ‘બ્લેક સ્પોટ’ (Black Spots) તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે:
-
બ્લેક સ્પોટ કોને કહેવાય? રોડ સેફ્ટીના નિયમ મુજબ, છેલ્લાં ત્રણ વર્ષમાં જે ચોક્કસ સ્થળે પાંચ કે તેથી વધુ અકસ્માતો થયા હોય અથવા ૧૦ થી વધુ લોકોના મોત નીપજ્યા હોય, તેને ‘બ્લેક સ્પોટ’ જાહેર કરવામાં આવે છે.
-
નિયમોના ઉલ્લંઘનથી સર્જાતા અકસ્માતો: વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ, હાઈ-સ્પીડ ડ્રાઇવિંગ, હેલ્મેટ અને સીટબેલ્ટની અવગણના તેમજ રોંગ સાઈડ ડ્રાઇવિંગ અકસ્માતો પાછળના મુખ્ય કારણો છે.
