Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદના નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક: મોપેડ સવાર દંપતીને જોરદાર ટક્કર મારી, કારમાંથી દારૂની બોટલો મળતાં સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો

અમદાવાદના નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક: મોપેડ સવાર દંપતીને જોરદાર ટક્કર મારી, કારમાંથી દારૂની બોટલો મળતાં સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો

અમદાવાદ શહેરના નાના ચિલોડા વિસ્તારમાં બુધવારે બપોરના સમયે નશાખોર કારચાલકની બેદરકારીના કારણે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દારૂના નશામાં સંપૂર્ણપણે ધૂત બે શખ્સોએ પોતાની કાર પૂરપાટ ઝડપે અને બેફામ રીતે હંકારીને રસ્તા પરથી પસાર થઈ રહેલા મોપેડ સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કારની આગળની નંબર પ્લેટ, કાચ અને બમ્પર સંપૂર્ણપણે તૂટીને કચ્ચરઘાણ વળી ગયા હતા. અકસ્માત સર્જાયા બાદ આસપાસના રહીશો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, જ્યાં કારની તપાસ કરતાં અંદરથી દારૂની બોટલો મળી આવતાં લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો હતો.

સ્થાનિક લોકોએ નશાની હાલતમાં લથડિયા ખાઈ રહેલા બંને શખ્સોને ઘટનાસ્થળે જ ઝડપી પાડીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો અને મેથીપાક ચખાડીને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ નરોડા પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ સ્થળ પર દોડી આવ્યો હતો અને બંને આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા બંને શખ્સો રાજકોટના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા ત્યારે તેઓ એટલા નશામાં હતા કે સીધા ઊભા પણ રહી શકતા નહોતા. નરોડા પોલીસે આ મામલે અકસ્માત સર્જવા અને પ્રોહિબિશન એક્ટ ભંગ બદલ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

બીજી તરફ અમદાવાદના ભાટ-મોટેરા રોડ પર પણ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને બેદરકારીનો એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. અહીં પૂરઝડપે આવી રહેલી એક કાર રોડ પર ડિવાઇડર પાસે વૃક્ષો છાંટવાની કામગીરી કરી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક ટક્કરમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. સૌથી ગંભીર અને આઘાતજનક બાબત એ સામે આવી હતી કે આ કાર કોઈ પુખ્ત વયની વ્યક્તિ નહીં પરંતુ એક સગીર બાળક ચલાવી રહ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળ્યો હતો અને સગીર બાળકોના હાથમાં વાહનોની ચાવી સોંપતા વાલીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.

સંબંધિત પોસ્ટ્સ

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ

Maheriya Nirali

સંસદ સત્ર બાદ પક્ષ-વિપક્ષની ‘ચાય પે ચર્ચા’: PM મોદી, પ્રિયંકા ગાંધી, રાજનાથ હાજર રહ્યા, G-RAM-G બિલના વિરોધમાં TMCએ સંસદમાં આખી રાત ધરણા કર્યા

Gujarat Plus

અન્નામલાઈના રાજીનામાથી ભાજપને કેટલું નુકસાન? પ્રદેશ અધ્યક્ષે આપ્યો રોકડો જવાબ

praxpatel