Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માતે મોત થાય તો રેલવેએ વળતર ચૂકવવું પડે: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માતે મોત થાય તો રેલવેએ વળતર ચૂકવવું પડે: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે રેલવે અકસ્માત અને વળતરના કાયદા અંગે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે, રેલવે ટ્રેક પર અકસ્માતમાં કોઈ મુસાફરનું મૃત્યુ થાય, તો ટ્રેક ક્રોસ કરવાની બેદરકારીના આધારે મૃત્યુ થયું હોવાનું કહીને ભોગ બનનારના પરિવારને વળતર નકારી શકાય નહીં. રેલવે ટ્રિબ્યુનલનો વળતર નકારવાનો અભિગમ ખામીયુક્ત અને રેલવે અકસ્માત વળતર કાયદાની જોગવાઈઓની વિરુદ્ધનો હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું.

મુસાફરોની બેદરકારી ગણાવીને રેલવે જવાબદારીમાંથી છટકી ન શકે

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું હતું કે, વ્યસ્ત રેલવે સ્ટેશનો અને યાર્ડ્સમાં, ખાસ કરીને જ્યાં ફૂટ ઓવરબ્રિજ દૂર હોય, દુર્ગમ હોય અથવા ભારે ભીડભાડવાળા હોય, ત્યાં મુસાફરો વારંવાર પ્લેટફોર્મ પર પહોંચવા કે પરિસરમાંથી બહાર નીકળવા માટે પાટા ઓળંગતા હોય છે. આવી સ્થિતિમાં રેલવે તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આવા કૃત્યોને મુસાફરની બેદરકારી ગણાવીને તેને ગુનાહિત કૃત્ય કે જાતે પહોંચાડેલી ઈજા (Self-inflicted injury) તરીકે સરખાવી શકે નહીં.

પરિવારને ૯ ટકા વ્યાજ સાથે ₹૮ લાખનું વળતર ચૂકવવા હુકમ

રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં મૃત્યુ પામેલા એક યુવકના આશ્રિતોને વળતર નકારવાના રેલવે ટ્રિબ્યુનલના હુકમને હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો. રાજબહાદુર અને અન્યો દ્વારા યુનિયન ઓફ ઈન્ડિયા સામે દાખલ કરાયેલી ફર્સ્ટ અપીલમાં ચુકાદો આપતા હાઈકોર્ટે મૃતક યુવકના પરિવારજનોને ૯ ટકા વ્યાજ સાથે ₹૮ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

કેસની વિગતો મુજબ, ગત ૧૮ જુલાઈ, ૨૦૨૩ના રોજ યુવક કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ આવતી હાવડા-ગાંધીધામ ગરબા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં માન્ય ટિકિટ સાથે મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેનના જનરલ કોચમાં ભારે ભીડ અને અચાનક લાગેલા ઝટકાને કારણે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો અને ઘસડાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં તે ટ્રેકની બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે જ સમયે અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પરિવારજનોએ ₹૮ લાખના વળતર માટે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી, જેને ટ્રિબ્યુનલે ૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ફગાવી દીધી હતી. આખરે પરિવારે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવતા કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ: અમદાવાદ સહિત અનેક શહેરોનું વધશે તાપમાન, હવામાન વિભાગની આગાહી

aminparmar

ગુજરાતની મેડિકલ કોલેજો બની રેગિંગની ‘હોટસ્પોટ’, 2024ના સરકારી નિયમો કાગળ પર; આંકડા ચોંકાવનારા

praxpatel

‘પ્રધાનને હટાવીને PMને બચાવાયા, દેશમાં ઈમરજન્સી કરતાં પણ ખરાબ સ્થિતિ’: અખિલેશ યાદવ

praxpatel