હિંમતનગર (સાબરકાંઠા): રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોટી સફળતા મેળવી છે. હિંમતનગર નજીક નેશનલ હાઈવે પરથી રાજસ્થાનથી ગાંધીનગર તરફ લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી ફોર્ચ્યુનર કારને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી ₹૪.૦૭ લાખની કિંમતનો દારૂ અને કાર સહિત કુલ ₹૨૪.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે.
ફિલ્મી ઢબે પીછો કરી LCB એ કારચાલકને ઝડપી પાડ્યો
મળતી વિગતો અનુસાર, સાબરકાંઠા LCB ની ટીમ હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાંભોઈથી હિંમતનગર તરફ આવતા નેશનલ હાઈવે પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર (નંબર GJ-12-DS-0025) ને રોકવા માટે પોલીસે સરકારી વાહન આડું મૂકી ઈશારો કર્યો હતો.
પોલીસને જોઈને કારચાલકે ગાડી થોડે દૂર ઊભી રાખી હતી અને પુલ તરફ દોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સતર્ક LCB ની ટીમે તાત્કાલિક કોર્ડન કરીને ચાલકને ઝડપી લીધો હતો.
₹૨૪.૧૨ લાખનો મુદ્દામાલ કબજે, ૩ ફરાર આરોપીઓની શોધખોળ
ફોર્ચ્યુનર કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ ૧,૨૪૬ બોટલ મળી આવી હતી, જેની બજાર કિંમત ₹૪,૦૭,૨૩૯ થાય છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ₹૫,૦૦૦ નો મોબાઈલ ફોન, ચાર નંબર પ્લેટ અને ₹૨૦ લાખની ફોર્ચ્યુનર કાર મળી કુલ ₹૨૪,૧૨,૨૩૯ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે પોલીસે રાજસ્થાનના સલૂમ્બર જિલ્લાના ડાલ ભાવાવત વાલા ફળા ગામના રહેવાસી કિશોરસિંહ પર્વતસિંહ રાઠોડ (ઉં.વ. ૩૨) ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂ મોકલનાર રાજસ્થાનના દેવગઢના જયપાલસિંહ, ક્રિષ્ના અને ગાંધીનગર ખાતે આ જથ્થો મંગાવનાર એક અજાણ્યા શખ્સનું નામ ખુલ્યું છે. LCB એ પકડાયેલા આરોપી અને ત્રણ ફરાર શખ્સો મળી કુલ ચાર સામે હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
