Gujarat Plus
ગુજરાત

‘આદિવાસીઓ હિન્દુ નથી’ તેવા શંકરસિંહ વાઘેલાના નિવેદનથી વિવાદ, ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનો આકરો વિરોધ

Gujarat Tribal Politics

Gujarat Tribal Politics : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય નિવેદનબાજી તેજ બની છે, ત્યારે હવે આદિવાસી સમાજની ઓળખ અને ધર્મને લઈને નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ‘આદિવાસીઓ હિન્દુ નથી’ તેવું નિવેદન આપતાં રાજ્યના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે. તેમના આ નિવેદન સામે ભાજપના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ સખત વિરોધ નોંધાવીને આદિવાસી સમાજને હિન્દુ સમાજનો અવિભાજ્ય અંગ ગણાવ્યો છે.

આદિવાસી સમાજે પોતાની અલગ ઓળખ જાળવી રાખવી જોઈએ: શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને ક્યારેય છેતરવો જોઈએ નહીં; આદિવાસીઓને હિન્દુ કાયદો લાગુ પડતો નથી અને તેઓ હિન્દુ નથી. તેમણે દાવો કર્યો હતો કે વર્ષ ૧૯૫૨થી આદિવાસીઓને હિન્દુ ગણાવવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ જો આદિવાસી સમાજને હિન્દુ તરીકે ઓળખાવવામાં આવશે તો તેમને મળતા કેટલાક બંધારણીય લાભો બંધ થઈ શકે છે. આથી તેમણે વસ્તી ગણતરીનો ઉલ્લેખ કરતાં આદિવાસી સમાજને પોતાની અલગ ઓળખ સ્પષ્ટ રીતે જાળવી રાખવાની અપીલ કરી હતી.

આદિવાસી સમાજ હિન્દુ સમાજનો અવિભાજ્ય અંગ છે: ધારાસભ્ય શૈલેષ મહેતા

બીજી તરફ, ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ગોધરા ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં ઉપસ્થિત ભાજપના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ શંકરસિંહ વાઘેલાના નિવેદનનો આકરો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આદિવાસીઓ હિન્દુ નથી તેવું કહેવું એ હિન્દુ સમાજમાં ભાગલા પાડવા સમાન છે. પોતાના નિવેદનના સમર્થનમાં ભગવાન શ્રીરામ અને માતા શબરીના પ્રસંગનો ઉલ્લેખ કરતાં શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, જો આદિવાસી સમાજ હિન્દુ સમાજનો ભાગ ન હોત તો ભગવાન શ્રીરામ માતા શબરીની ઝૂંપડીએ ગયા ન હોત અને તેમના ચાખેલા એંઠાં બોર સ્વીકાર્યા ન હોત. આ પ્રસંગ ટાંકીને તેમણે આદિવાસી અને હિન્દુ સમાજ વચ્ચેના અતૂટ સંબંધ પર ભાર મૂક્યો હતો.

સંબંધિત પોસ્ટ્સ

સરકાર લાજવાને બદલે ગાજે છે: ગુજરાતના 3.38 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર

praxpatel

ગુજરાતના મહેસૂલ વિભાગમાં એકસાથે ૮૬ મામલતદારોની બદલી: ૩ નાયબ મામલતદારોને બઢતી, ૮ જુનિયર સ્કેલના અધિકારીઓને નવી જવાબદારી; જુઓ સંપૂર્ણ લિસ્ટ

praxpatel

ગુજરાત કોંગ્રેસમાં હાઈકમાન્ડની સર્જિકલ સ્ટ્રાઈક: પ્રભારી બાદ હવે બે સહ-પ્રભારીઓની વિદાય નક્કી

praxpatel