રાજ્યના વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવા અને પ્રજાલક્ષી કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા સરકારી અધિકારીઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા હવેથી દર વર્ષે અધિકારીઓ માટે ‘અટલ સુશાસન પુરસ્કાર’ એનાયત કરવામાં આવશે.
આ યોજના હેઠળ માત્ર પ્રશસ્તિ પત્ર જ નહીં, પરંતુ અધિકારીઓને પ્રોત્સાહક રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.
વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓને મળશે રોકડ ઇનામ
સામાન્ય વહીવટ વિભાગ (GAD) ના પરિપત્ર મુજબ નિર્ધારિત માપદંડોના આધારે અધિકારીઓને પુરસ્કૃત કરવામાં આવશે:
-
વર્ગ-1 ના અધિકારીઓ: ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ક્લાસ-1 અધિકારીને રૂ. 31,000 નું રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
-
વર્ગ-2 ના અધિકારીઓ: શ્રેષ્ઠ કામગીરી કરનાર ક્લાસ-2 અધિકારીને રૂ. 21,000 નું રોકડ ઇનામ અને સન્માનપત્ર એનાયત કરાશે.
-
આ પુરસ્કાર માટે અધિકારીઓની પસંદગી માત્ર નિયમિત કામકાજના આધારે નહીં, પરંતુ સંબંધિત વિભાગ દ્વારા પૂર્વનિર્ધારિત કી-પર્ફોર્મન્સ ઇન્ડિકેટર્સ (KPI) અને મૂલ્યાંકન માપદંડોના આધારે જ કરવામાં આવશે.
7 મુખ્ય વહીવટી વિભાગોનો સમાવેશ
અટલ સુશાસન પુરસ્કાર માટે રાજ્ય સરકારના સીધા જનહિત સાથે જોડાયેલા મુખ્ય 7 વહીવટી વિભાગોને આવરી લેવામાં આવ્યા છે:
-
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
-
શિક્ષણ વિભાગ
-
માર્ગ અને મકાન વિભાગ
-
અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોનો વિભાગ
-
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ
-
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
-
મહેસૂલ વિભાગ
પારદર્શક પસંદગી માટે મૂલ્યાંકન સમિતિઓની રચના
અધિકારીઓની પસંદગી નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય તે માટે વિભાગવાર ઉચ્ચ સ્તરીય મૂલ્યાંકન સમિતિઓ કાર્ય કરશે:
-
મામલતદાર કક્ષાનું મૂલ્યાંકન: મામલતદારની કામગીરી ચકાસવા માટે સંબંધિત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ રચાશે, જેમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO), પોલીસ અધિક્ષક (SP) અને નિવાસી નાયબ કલેક્ટર (RAC) સભ્ય તરીકે રહેશે.
-
પંચાયત અને મહેસૂલ કેડર: પંચાયત વિભાગની કામગીરીનું મૂલ્યાંકન અધિક મુખ્ય સચિવ (ACS), અગ્ર સચિવ કે પંચાયત સચિવ અને પંચાયત અધ્યક્ષ કરશે. જ્યારે મહેસૂલ કેડર માટે અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ મહેસૂલ અને મહેસૂલ અધ્યક્ષ દ્વારા સંયુક્ત ચકાસણી કરવામાં આવશે.
-
સમયમર્યાદા: સરકારી માર્ગદર્શિકા મુજબ તમામ સંબંધિત વિભાગોએ દર વર્ષે 30 નવેમ્બર સુધીમાં મૂલ્યાંકનની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
