Gujarat Plus
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

કોણ છે એ બે પાઇલટ?: ફ્લાયદુબઈ વિમાનમાં મચી હતી તબાહી ત્યારે ૧૮૨ મુસાફરોનો જીવ બચાવ્યો, ઘટનાના દિવસો પછી પણ ઓળખ અકબંધ!

કોણ છે એ બે પાઇલટ?: ફ્લાયદુબઈ વિમાનમાં મચી હતી તબાહી ત્યારે ૧૮૨ મુસાફરોનો જીવ બચાવ્યો, ઘટનાના દિવસો પછી પણ ઓળખ અકબંધ!

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai) ની ફ્લાઇટમાં કૉકપિટની અંદર ઓમાની કો-પાઇલટે કેપ્ટન સ્મિત મચ્છાર પર ઘાતકી હુમલો કરી દીધા બાદ ૩૫,૦૦૦ ફૂટની ઊંચાઈએથી વિમાન સીધું નીચે પટકાવા લાગ્યું હતું. વિમાનમાં સવાર તમામ ૧૮૨ નિર્દોષ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. તે જ નાજુક ક્ષણે પેસેન્જર કેબિનમાં મુસાફરી કરી રહેલા બે ‘ઓફ-ડ્યુટી’ (વધારાના) પાઇલટોએ અસાધારણ સાહસ દાખવી કૉકપિટની કમાન સંભાળી લીધી હતી અને વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત ઉતારી લીધું હતું.

આ ચોંકાવનારી ઘટના બન્યાના દિવસો વીતી ગયા હોવા છતાં, એરલાઇને ૧૮૨ લોકોનો જીવ બચાવનારા આ બંને ‘હીરો પાઇલટ્સ’ની ઓળખ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરી નથી, જેણે આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનને એક મોટું રહસ્ય બનાવી દીધું છે.

તે બે પાઇલટ વિમાનમાં કેમ હાજર હતા? ‘ડેડહેડિંગ’ સંયોગ બન્યો આશીર્વાદ

મુસાફરોની આગળની બીજી હરોળમાં બેઠેલા પ્રત્યક્ષદર્શી મુસાફર ડેનિયલ શ્લિક્ટરના જણાવ્યા મુજબ:

  • સામાન્ય સંજોગોમાં કોઈપણ કોમર્શિયલ ફ્લાઇટમાં બે વધારાના પાઇલટ મુસાફરી કરતા હોતા નથી.

  • આ બંને પાઇલટ તેલ અવીવ પહોંચીને ત્યાંથી દુબઈ પરત આવતી અન્ય ફ્લાઇટનું સંચાલન કરવાના હતા. એવિએશન ભાષામાં જ્યારે કોઈ ક્રૂ મેમ્બર ડ્યુટી માટે મુસાફર તરીકે સફર કરે છે ત્યારે તેને ‘ડેડહેડિંગ’ (Deadheading) કહેવામાં આવે છે.

  • જો આ બંને અનુભવી પાઇલટ્સ સંજોગોવશાત્ એ ફ્લાઇટમાં સવાર ન હોત, તો કદાચ કોઈ ચમત્કાર પણ વિમાનને જમીનદોસ્ત થતું અટકાવી શક્યો ન હોત.

મુસાફરોની ઉપરથી છલાંગ લગાવી કૉકપિટમાં પહોંચ્યા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, જ્યારે કેપ્ટન સ્મિત મચ્છારે લોહીલુહાણ હાલતમાં અંદરથી ઇમરજન્સી અનલોક બટન દબાવ્યું અને મુસાફરોએ હુમલાખોર કો-પાઇલટને બહાર ખેંચી લીધો, ત્યારે કેબિનમાં ભારે નાસભાગ મચી ગઈ હતી:

  • આ અંધાધૂંધી વચ્ચે વધારાના પાઇલટોમાંથી પહેલો પાઇલટ મુસાફરોના ટોળાની ઉપરથી લગભગ છલાંગ લગાવીને સીધો કૉકપિટ તરફ દોડ્યો હતો.

  • તેણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મુખ્ય પાઇલટની સીટ પર બેસીને સ્ટીયરિંગ કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધા હતા.

  • તે જ ક્ષણે બીજો વધારાનો પાઇલટ પણ કૉકપિટમાં ધસી ગયો હતો અને બંનેએ તરત જ દરવાજો અંદરથી લોક કરી દીધો હતો જેથી વધુ કોઈ અરાજકતા ન સર્જાય.

પૂંછડીનું રડર તૂટી ગયું, કાબૂ મેળવવામાં લાગી ૧૦ મિનિટ

હુમલાખોર કો-પાઇલટે વિમાનને એટલી હિંસક ઝડપે નીચેની તરફ ધકેલી દીધું હતું કે હવાના ભારે દબાણને કારણે વિમાનની પૂંછડીમાં રહેલા રડર (Rudder) નો એક ભાગ તૂટી ગયો હતો.

  • પ્લેન ભયાનક આંચકાઓ સાથે ધ્રૂજી રહ્યું હતું. બંને પાઇલટોએ સતત ૧૦ થી ૧૫ મિનિટ સુધી જીવ સટોસટનો સંઘર્ષ કરીને વિમાનને હવામાં સ્થિર કર્યું હતું.

  • આ દરમિયાન તેમણે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને ‘મે ડે’ (Mayday – કટોકટીનો સંદેશો) મોકલી દીધો હતો અને ઈમરજન્સી લેન્ડિંગ માટે સુરક્ષિત રનવેની માંગણી કરી હતી.

૪૫ મિનિટનો ભયાનક સન્નાટો અને તબુકમાં સુરક્ષિત લેન્ડિંગ

વિમાન સ્થિર થયા પછી પણ મુસાફરો ભયના ઓથાર હેઠળ હતા, કારણ કે કૉકપિટમાંથી શરૂઆતમાં કોઈ જાહેરાત થઈ નહોતી. મુસાફરોને ડર પેસી ગયો હતો કે ક્યાંક નવા પાઇલટ્સ પણ વિમાનનું અપહરણ કરીને ઈરાન કે અન્ય કોઈ અજ્ઞાત સ્થળે તો નથી લઈ જઈ રહ્યા ને!

લગભગ ૪૫ મિનિટની દર્દનાક અનિશ્ચિતતા બાદ કૉકપિટમાંથી માઇક પર જાહેરાત થઈ: “વિમાન સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને અમે સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ કરી રહ્યા છીએ.” આ જાહેરાત સાંભળતાં જ આખી ફ્લાઇટમાં મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો. વિમાને તબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું.

ફ્લાયદુબઈએ કેમ ગુપ્ત રાખી છે બંનેની ઓળખ?

શનિવાર સુધી ફ્લાયદુબઈ એરલાઇને માત્ર એટલું જ પુષ્ટિ આપી છે કે વિમાનને બચાવનાર બંને પાઇલટ કંપનીના ઓન-ડ્યુટી ક્રૂ સભ્યો હતા. આ બંને રિયલ હીરોઝના નામ, રાષ્ટ્રીયતા કે તસવીરો સુરક્ષાના કારણોસર ગુપ્ત રાખવામાં આવ્યા છે કે પછી આંતરરાષ્ટ્રીય તપાસના ભાગરૂપે જાહેર કરાયા નથી, તે હજુ અકબંધ રહસ્ય છે.

મુસાફરોનું કહેવું છે કે, જો આ બંને પાઇલટોએ ગભરાયા વગર સેકન્ડોની અંદર નિર્ણય લઈને કૉકપિટ ન સંભાળ્યું હોત, તો એવિએશન ઈતિહાસની સૌથી ભયાનક આકાશી હોનારત સર્જાઈ ચૂકી હોત.

સંબંધિત પોસ્ટ્સ

બોક્સ ઓફિસ પર ફ્લોપ, પણ OTT પર સુપરહિટ: IMDb પર 8 રેટિંગ મેળવનારી આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં

praxpatel

3 બિલાડીઓ પાળનારા ભારતીય મૂળના અમીશ શાહનો અમેરિકામાં ડંકો: એરિઝોના થી ડેમોક્રેટિક પ્રાઇમરી જીતી

praxpatel

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ઐતિહાસિક મુકામે: મોદી અને ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં થઈ શકે છે વાતચીત, વેપાર કરાર અંતિમ તબક્કામાં

praxpatel