Gujarat Plus
ગુજરાત

અમદાવાદ: મહિલા તબીબ પર પતિએ ગર્ભપાત કરાવવા દબાણ કરી મોં પર ઓશિકું દબાવ્યું, 12 વર્ષ જૂનો સંબંધ છુપાવી કર્યા હતા લગ્ન

ahmedabad

ahmedabad : અમદાવાદ નજીક કલોલ ખાતે આવેલી મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતી 30 વર્ષીય પરિણીતા પર પતિ અને સાસરી પક્ષ દ્વારા અમાનવીય શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

પરિણીતા ગર્ભવતી થતાં પતિએ બાળક ન જોઈતું હોવાનું કહી મોં પર ઓશિકું દબાવી ગર્ભપાત કરાવવા જીવલેણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત વધારાનું સોનું, બાળકના નામે ₹5 લાખની ફિક્સ ડિપોઝિટની માંગણી અને ઘરમાં તોડફોડ કરવા બદલ મણિનગર પોલીસે પતિ સહિત સાસરિયાના 4 સભ્યો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દારૂની લત અને 12 વર્ષ જૂનો પ્રેમસંબંધ છુપાવી લગ્ન કર્યા

  • મે 2024માં લગ્ન: મણિનગર વિસ્તારમાં પિતા સાથે રહેતી મહિલા તબીબના લગ્ન સાબરકાંઠા જિલ્લાના ઈડરના યુવક સાથે થયા હતા. પિતાએ કરિયાવરમાં 13 તોલા સોનું આપ્યું હતું.

  • દારૂ પીને હોસ્ટેલમાં ઝઘડા: લગ્નના થોડા દિવસોમાં જ પતિ દારૂડિયો હોવાની જાણ થઈ હતી. અભ્યાસ દરમિયાન પરિણીતા જ્યારે પી.જી. હોસ્ટેલમાં રહેતી ત્યારે પણ પતિ દારૂના નશામાં પહોંચીને હંગામો મચાવતો હતો.

  • અન્ય યુવતી સાથે અફેર: પરિણીતાએ પતિના ફોનની ચકાસણી કરતાં અન્ય યુવતી સાથેના વાંધાજનક મેસેજ, ફોટોઝ અને હોટેલ બુકિંગની વિગતો મળી આવી હતી. તપાસ કરતાં બહાર આવ્યું કે પતિને આ યુવતી સાથે છેલ્લા 12 વર્ષથી પ્રેમસંબંધ હતો અને તેણે માત્ર માતા-પિતાના દબાણ હેઠળ આ લગ્ન કર્યા હતા.

ગર્ભવતી થતાં ઓશિકું દબાવી મારી નાખવાનો પ્રયાસ

  • બાળક ન જોઈતું હોવાનું કહી દબાણ: પરિણીતા ગર્ભવતી બનતાં જ પતિએ બાળક સ્વીકારવાનો ઇનકાર કરી ગર્ભપાત કરાવવા માટે દબાણ શરૂ કર્યું હતું.

  • જીવલેણ હુમલો: પરિણીતાએ એબોર્શન કરાવવાનો ઇનકાર કરતાં પતિએ પલંગ પર પડેલું ઓશિકું તેના મોં પર દબાવીને શ્વાસ રુંધી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રૂમમાં હાજર માતા-પિતાએ વચ્ચે પડીને દીકરીનો જીવ બચાવ્યો હતો.

  • દહેજ માટે મેણાં-ટોણાં: નરોડા ખાતે ભાડાના મકાનમાં રહેવા ગયા બાદ પણ સાસુ-સસરાએ “તારા બાપે શું આપ્યું છે, આપણા સ્ટેટસ પ્રમાણે 20-25 તોલા સોનું લાવવું જોઈએ” કહીને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું.

સમાધાન બેઠકમાં તોડફોડ અને પિતા પર હુમલો

ફેબ્રુઆરી 2026માં સાસરિયાઓ સમાધાન કરવા પરિણીતાના પિયરે આવ્યા ત્યારે પરિસ્થિતિ વધુ વણસી હતી:

  • પતિની દારૂની આદત અને આડા સંબંધો અંગે વાત કરતાં સાસરિયાઓએ પુત્રનો બચાવ કર્યો હતો.

  • આ દરમિયાન ઉશ્કેરાયેલા પિતરાઈ દિયરે ઘરમાં તોડફોડ કરી ટીવી તોડી નાખ્યું હતું અને પરિણીતાના પિતાને જોરથી ધક્કો મારતાં તેમના ઘૂંટણના લિગામેન્ટમાં ગંભીર ઈજા પહોંચી હતી.

મેરેજ સર્ટિફિકેટ ન કઢાવી લગ્ન નકારવાનો કારસો

  • ₹5 લાખની ડિપોઝિટનું દબાણ: ડિસેમ્બર 2025માં દીકરીનો જન્મ થયો ત્યારે સસરાએ બાળકીના નામે ₹5 લાખ ફિક્સ ડિપોઝિટ મૂકવા દબાણ કર્યું હતું. બાળકી 7 માસની થઈ ગઈ હોવા છતાં પિતાએ તેની કોઈ જવાબદારી ઉપાડી નથી.

  • દસ્તાવેજો બનાવવામાં અડચણ: છેલ્લા બે વર્ષથી પરિણીતા મેરેજ સર્ટિફિકેટ કઢાવવા કહેતી હોવા છતાં પતિ ‘આ લગ્નને લગ્ન જ ન ગણાય’ કહીને સર્ટિફિકેટ કઢાવતો નહોતો. લગ્નનું અસ્તિત્વ નકારી જવાબદારીમાંથી છટકી જવાના ઇરાદે પતિ આમ કરતો હોવાથી બાળકીના ઓળખપત્રો અને જરૂરી દસ્તાવેજો બનાવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ હતી.

આખરે તમામ ત્રાસથી કંટાળીને મહિલા તબીબે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ, સાસુ, સસરા અને પિતરાઈ દિયર સામે ગુનો દાખલ કરી કાનૂની સકંજો કસ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBનો સપાટો: આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

praxpatel

સુરતમાં સામૂહિક આપઘાત,પૈસાની ઉઘરાણીના ત્રાસથી ઝેરી દવા પીધી

aminparmar

ભારતમાલા રોડ પર કાળમુખો અકસ્માત: રણુજાથી દર્શન કરી પરત ફરતા બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટી, ૩ ના મોત, ૩ ઈજાગ્રસ્ત

praxpatel