Gujarat ATS : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ની ટીમે ખેડા જિલ્લાના સારસા ગામે આવેલા ONGC ના ઓઇલ કૂવામાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરીને અમદાવાદમાં સગેવગે કરતી આંતરજિલ્લા ગેંગનો પર્દાફાશ કર્યો છે. ATS એ વટવા-વીંઝોલ રિંગ રોડ પર દરોડો પાડીને ગેંગના છ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને સ્થળ પરથી આશરે ૮,૦૦૦ લિટર ક્રૂડ ઓઇલ, ટેન્કર અને આઇસર ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વટવા-વીંઝોલ રિંગ રોડ પરના પાર્કિંગ પ્લોટમાં ATS નો સફળ દરોડો
ગુજરાત ATS ના DYSP એસ.એલ. ચૌધરીને ચોક્કસ બાતમી મળી હતી કે દાણીલીમડા વિસ્તારના શખ્સો અને ONGC નો કોન્ટ્રાક્ટ કર્મચારી મળીને ક્રૂડ ઓઇલની ચોરી કરી વટવા-વીંઝોલ રિંગ રોડ પર પંચરત્ન ફ્લોરા ફ્લેટની પાછળ આવેલા હેપ્પીભાઈ ભરવાડના પાર્કિંગ પ્લોટમાં લાવી રહ્યા છે. આ બાતમીના આધારે પાંચ PSI અને કોન્સ્ટેબલની ટીમે દરોડો પાડ્યો ત્યારે ONGC લખેલા ટેન્કરમાંથી પાઇપ મારફતે આઇસર ટ્રકમાં રાખેલી ટાંકીમાં ક્રૂડ ઓઇલ ખાલી કરવામાં આવી રહ્યું હતું. પૂછપરછમાં આરોપીઓએ ખેડાના સારસા ખાતેના ONGC કૂવા નંબર ૨૬માંથી કેશિંગ વાલ્વ અને ફાઇટર પંપની મદદથી ઓઇલ ચોર્યું હોવાની કબૂલાત કરી હતી.
ઝડપાયેલા આરોપીઓ અને જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગત
ATS ની ટીમે ટેન્કરમાંથી ૪,૫૦૦ લિટર અને આઇસર ટ્રકમાંથી ૩,૫૦૦ લિટર મળી કુલ ૮,૦૦૦ લિટર ક્રૂડ ઓઇલ જપ્ત કર્યું છે. આ ગુનામાં પકડાયેલા છ આરોપીઓની વિગતો નીચે મુજબ છે:
-
અમદાવાદના આરોપીઓ: ગફાર અબ્દુલભાઈ રંગરેજ (ઉં.વ. ૬૧), મોહસીન રફીકભાઈ રંગરેજ (ઉં.વ. ૩૫), મોહમદ જાવેદ મોહમદ સાબીર રંગરેજ (ઉં.વ. ૪૪) અને નસીરુદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક (ઉં.વ. ૪૨ – જે ONGC માં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો).
-
ખેડા જિલ્લાના આરોપીઓ: મહીજ ગામના ભીખા કાળાભાઈ ચૌહાણ (ઉં.વ. ૪૬) અને રાયસંગ બચુભાઈ ઠાકોર (ઉં.વ. ૪૦).
