Amreli : લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો પર હુમલો અને મારામારીની ઘટના સામે આવી છે. આ મામલે ગામના ઉપસરપંચ અને કોંગ્રેસના સ્થાનિક અગ્રણી જીતુ વાળા સહિત પાંચ શખ્સો સામે લાઠી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ઉપસરપંચ જીતુ વાળા એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો લઈને જોવા મળી રહ્યા છે.
બોરના પાણી અને પ્લોટમાં પાણી ન આવવાની રજૂઆત બાદ મામલો બિચક્યો
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તેમના પ્લોટ વિસ્તારમાં પાણી ન આવતું હોવાથી તેઓ રજૂઆત કરવા ઉપસરપંચ જીતુ વાળા પાસે ગયા હતા. આ દરમિયાન બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ગ્રામજન અંકિત સાવકીયાએ આક્ષેપ કર્યો હતો કે ગાળો ન આપવા કહેતાં જીતુ વાળા રિવોલ્વર અને દંડો લઈને આવ્યા હતા અને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અન્ય ગ્રામજન મહેન્દ્રભાઈ સાવકીયાએ આક્ષેપ કર્યો હતો કે ગ્રામ પંચાયતના બોરનું પાણી વાડી તરફ લઈ જવાતું હોવાની રજૂઆત કરવા ગયેલા યુવકો પર ડંડા અને રિવોલ્વર વડે હુમલો કરાયો હતો.
ગ્રામજનોના પોલીસ મથકે ઘેરાવ બાદ BNS અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ
આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો લાઠી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે પાણીના મુદ્દે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. લાઠી પોલીસે આ મામલે નીચે મુજબની કાર્યવાહી હાથ ધરી છે:
-
આરોપીઓના નામ: જીતુ ભાયાભાઈ વાળા, દિલીપ ભાયાભાઈ વાળા, નીલેષ ભીખુભાઈ વાળા, રઘુ અનકભાઈ વાળા અને મહેશ ભીખુભાઈ વાળા.
-
લગાવવામાં આવેલી કલમો: ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૯(૧), ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૧૨૫(a) અને ૩(૫) તેમજ આર્મ્સ એક્ટ (Arms Act) અને ગુજરાત પોલીસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
