ગાંધીનગર/અમદાવાદ: અદાલતોમાં પડતર (પેન્ડિંગ) કેસોનું ભારણ ઘટે અને વિવાદો કોર્ટના પગથિયાં ચઢે તે પહેલાં જ પરસ્પર સંમતિથી ઉકેલાઈ જાય તેવા ઉમદા હેતુથી ગુજરાતમાં ૨૪ સભ્યોની એક વિશેષ મધ્યસ્થી સમિતિની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ભારતમાં પ્રથમ વખત વર્ષ ૨૦૨૩માં ઘડાયેલા ‘મિડિયેશન એક્ટ’ ની જોગવાઈઓ હેઠળ આ સમિતિની નિમણૂક કરીને સમગ્ર વ્યવસ્થાને અમલમાં મૂકવામાં આવી રહી છે. આ સમિતિના સભ્યો દ્વારા કેસ કોર્ટમાં જાય તે પહેલાં જ બંને પક્ષકારોને સાથે બેસાડીને સુખદ સમાધાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓની પસંદગી, અપાઈ ૪૦ દિવસની ખાસ તાલીમ
ગુજરાતમાં મધ્યસ્થીની આ મહત્ત્વપૂર્ણ કામગીરી માટે નિયુક્ત કરવામાં આવેલા ૨૪ સભ્યોમાં સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનારા લોકોની પસંદગી કરવામાં આવી છે. આ તમામ સભ્યોને કાયદાકીય પાસાં અને મધ્યસ્થીની પ્રક્રિયા સમજવા માટે ૪૦ દિવસની વિશેષ તાલીમ આપવામાં આવી છે. આગામી સમયમાં આ વ્યવસ્થા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને નિયમ મુજબ મિડિયેટરે આ તમામ કેસોમાં સંપૂર્ણ ગુપ્તતા જાળવવી પડશે.
એફિડેવિટ પર સમાધાન અને કોર્ટના પેન્ડિંગ કેસોનો ૧ મહિનામાં નિકાલ
વેપાર-ઉદ્યોગને લગતા કે અન્ય પ્રકારના વિવાદોમાં સમિતિના સભ્યો બંને પક્ષો વચ્ચે સંવાદ સાધીને સમાધાન સુધી લઈ જશે. સમાધાન થઈ ગયા બાદ બંને પક્ષો પાસે એફિડેવિટ પર લખાણ કરાવી સહી-સિક્કા સાથે તે કોર્ટમાં મોકલી આપવામાં આવશે, જેના આધારે કોર્ટ તેના પર અંતિમ આદેશ પસાર કરી દેશે.
આ ઉપરાંત, નાના નગરો અને ગ્રામીણ સ્તરની અદાલતોમાં પહોંચેલા અને કેસોના ભારણને કારણે લાંબા સમયથી સુનાવણી (હિયરિંગ) પર ન આવતા કેસોની ફાઈલો પણ આ ૨૪ સભ્યોની સમિતિને સોંપવામાં આવશે. સમિતિને આવા કેસોમાં ૧ મહિનાનો સમય આપીને સમાધાન કરાવી નિરાકરણ લાવવા જણાવવામાં આવશે.
બ્રિટનમાં ૯૨% અને સિંગાપોરમાં ૮૯% કેસોનું કોર્ટ બહાર જ સમાધાન
ભારત સરકારે ઘડેલો મિડિયેશન એક્ટ વૈકલ્પિક વિવાદ નિવારણ પ્રણાલીને વધુ મજબૂત બનાવશે. અગાઉ જર્મની, જાપાન, ઇટાલી, નેધરલેન્ડ, કેનેડા, ન્યુઝીલેન્ડ, બ્રાઝિલ અને સ્લોવેનિયા જેવા દેશોમાં મધ્યસ્થીની આ પ્રથા સફળતાપૂર્વક અમલમાં આવી ચૂકી છે. આંકડાકીય વિગતો મુજબ, આ વ્યવસ્થાને કારણે બ્રિટનમાં ૯૨ ટકા, સિંગાપોરમાં ૮૯ ટકા અને ઓસ્ટ્રેલિયામાં ૬૬ ટકા કેસોમાં કોર્ટમાં જતાં પહેલાં જ સમાધાન થઈ જાય છે, જેના પરિણામે ત્યાંની અદાલતોનું ભારણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે.
