રાજકોટ: રાજકોટ શહેરના પોષ ગણાતા રૈયા રોડ વિસ્તારમાં સાંજના સમયે જાહેર રસ્તા પર એક ૧૦ વર્ષની સગીરાની છેડતી થઈ હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત ૫ નવેમ્બરના રોજ બનેલી આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ હવે બહાર આવ્યા છે, જેમાં નંબર પ્લેટ વિનાના બાઈક પર આવેલો એક નરાધમ સગીરાને રોકીને તેની સાથે અડપલાં કરતો સ્પષ્ટપણે કેદ થયો છે. ઘટનાને ૨૦ દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ગાંધીગ્રામ પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ રહેતાં આખરે સગીરાના પિતાએ સીસીટીવી ફૂટેજ જાહેર કરીને ન્યાયની ગુહાર લગાવી છે.
નાસ્તો લઈને પરત ફરતી સગીરાને સ્પામાં નોકરીની લાલચ આપી
મળતી વિગતો અનુસાર, ગત ૫ નવેમ્બરના રોજ સાંજે આશરે ૬:૫૩ થી ૬:૫૭ વાગ્યાના અરસામાં રૈયા રોડ વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની સગીરા ઘર નજીકની દુકાનેથી નાસ્તો લઈને પરત ફરી રહી હતી. આ દરમિયાન રસ્તા વચ્ચે લાલ પટ્ટાવાળું શાઈન બાઈક લઈને ઊભેલા એક અજાણ્યા શખ્સે તેને રોકી હતી. આ બાઈકમાં આગળ કે પાછળ કોઈ નંબર પ્લેટ લગાવવામાં આવી ન હતી.
સીસીટીવી ફૂટેજમાં આરોપીની કરતૂત સ્પષ્ટ જોઈ શકાય છે. આ શખ્સે પહેલા સગીરાને તેની ઉંમર પૂછી હતી અને બાદમાં પોતાની ઓળખ આપતા કહ્યું હતું કે ગ્રીનલેન્ડ ચોકડી પાસે તેનું સ્પા સેન્ટર આવેલું છે. એટલું જ નહીં, નરાધમે સગીરાને લાલચ આપતા જણાવ્યું હતું કે ત્યાં તેના જેવડા જ નાના છોકરા-છોકરીઓ કામ અને એક્ટિવિટીમાં જોડાય છે, તું પણ મારા સ્પામાં નોકરીએ લાગી જા. આટલું કહીને આરોપીએ સગીરાની છેડતી કરી હતી.
૨૦ દિવસ બાદ પણ આરોપી ફરાર, પિતાએ રેકેટ ખુલ્લું પાડવા કરી અપીલ
આ ઘટનાની જાણ થતાં જ પરિવારે તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે પોક્સો (POCSO) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જોકે, ૨૦ દિવસ વીતી ગયા બાદ પણ પોલીસ આરોપીનું પગેરું મેળવી શકી નથી, જેના કારણે રાજકોટ પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
સગીરાના પિતાએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “રાજકોટ અને ગુજરાતની નાની-નાની દીકરીઓને ફસાવીને તેમનું ભવિષ્ય અને જિંદગી ખરાબ કરવાનો આ પ્રયાસ છે. એક પિતા અને જાગૃત નાગરિક તરીકે મારી ન્યાયતંત્ર, સમાજ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને એટલી જ માગ છે કે ઝડપથી આ આરોપીને પકડીને સ્પાના નામે ચાલતા આવા રેકેટનો સંપૂર્ણ પર્દાફાશ કરવામાં આવે અને સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડવામાં આવે.”
