Flood : દક્ષિણ અમેરિકન દેશ ચિલીની રાજધાની સેન્ટિયાગો અને તેની આસપાસના વિસ્તારોમાં મૂશળધાર વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ભારે વરસાદના પગલે અચાનક આવેલા પૂર (Flash Floods) અને ભયાનક ભૂસ્ખલનને કારણે રસ્તાઓ કાદવ અને પાણીના ધસમસતા પ્રવાહમાં ફેરવાઈ ગયા હતા. પાણીના આ ભયાનક પ્રવાહમાં રસ્તા પર પાર્ક કરેલી અનેક કારો રમકડાંની જેમ એકબીજા સાથે અથડાઈને તણાઈ ગઈ હતી, જેના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.
સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આ કુદરતી આપત્તિમાં ઓછામાં ઓછા ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે અનેક મકાનોમાં કાદવ-પાણી ભરાઈ જતાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
લાસ કોન્ડેસમાં સ્ટેટ ઓફ ઈમરજન્સી જાહેર
સેન્ટિયાગોના પોશ ઉપનગર ગણાતા લાસ કોન્ડેસ (Las Condes) વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સૌથી વધુ વિકટ બની છે:
-
ટૂંકા સમયમાં ૧૪.૪ સેમી વરસાદ: લાસ કોન્ડેસના મેયર કેટાલિના સેન માર્ટિને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ૧૪.૪ સેન્ટિમીટર (૫.૭ ઇંચ) જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો હતો.
-
ડ્રેનેજ સિસ્ટમ ફેઇલ: અતિભારે વરસાદને કારણે શહેરની ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણપણે જામ થઈ ગઈ હતી, જેના લીધે નદીઓ જેવા પાણીના રેલા કાદવ સાથે સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર ફરી વળ્યા હતા.
-
કટોકટીની સ્થિતિ: રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા માટે સ્થાનિક પ્રશાસને લાસ કોન્ડેસમાં તાત્કાલિક અસરથી ‘સ્ટેટ ઓફ ઈમરજન્સી’ જાહેર કરી છે. આ પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ પૂરમાં તણાતી ટ્રકની છત પર બેઠેલો જોવા મળ્યો હતો.
માપોચો નદી બંને કાંઠે છલકાઈ, શાળાઓ બંધ કરાઈ
-
સતત પડી રહેલા વરસાદને કારણે માપોચો નદી (Mapocho River) ભયજનક સપાટી વટાવી ગઈ છે, જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશો અપાયા છે.
-
વધુ ભૂસ્ખલનની આશંકાને ધ્યાનમાં રાખીને સરકારે અન્ય ૧૦ જિલ્લાઓમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ બંધ રાખવાની સૂચના આપી છે. સેનાના જવાનો અને જેસીબી મશીનો કાદવ હટાવીને ક્ષતિગ્રસ્ત વાહનો બહાર કાઢવાની કામગીરીમાં લાગી ગયા છે.
પાનામામાં જોડિયા ભૂકંપ બાદ સુનામીની ચેતવણી
એક તરફ ચિલી પૂર અને ભૂસ્ખલન સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે બીજી તરફ પાનામામાં હજારો કિલોમીટર દૂર આવેલા જોડિયા શક્તિશાળી ભૂકંપોએ સમગ્ર મધ્ય અને દક્ષિણ અમેરિકામાં સુનામીનો ભય પેદા કર્યો છે:
-
૭.૭ અને ૬.૬ ની તીવ્રતાના ભૂકંપ: પાનામામાં ૭.૭ અને ૬.૬ ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા હતા, જેના કારણે સેંકડો ઈમારતો ધ્રૂજી ઊઠી હતી અને લોકો ગભરાઈને રસ્તા પર દોડી આવ્યા હતા.
-
સુનામી એલર્ટ: યુનાઇટેડ સ્ટેટ્સની નેશનલ વેધર સર્વિસે પાનામા, એક્વાડોર, નિકારાગુઆ, કોલંબિયા અને ગ્વાટેમાલાના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામી એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ચિલીના મુખ્ય ભૂમિભાગથી ૩,૫૦૦ કિલોમીટર દૂર આવેલા ઇસ્ટર આઇલેન્ડ અને અલ સાલ્વાડોરમાં પણ દરિયાઈ મોજાં ઉછળવાની ચેતવણી જારી કરવામાં આવી છે.
